—અધ્યક્ષપદે જિલ્લા મેજિસ્ટ્રેટ, અધિકારી, પદાધિકારી અને બિન સરકારી સભ્યો મળી કુલ ૨૦ સભ્યોનો સમાવેશ ; જોકે, લઘુમતિ સમાજના અગ્રણી સભ્યનો સમાવેશ નહીં થતાં ઉઠયા સવાલો
દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવા તેમજ કોમવાદ, જ્ઞાતિવાદ અને પ્રાદેશિકતાવાદ જેવા અનિષ્ટોને નાબૂદ કરવાના ઉપાયો સૂચવવા માટે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય એકતા પરિષદની રચના કરવામાં આવી છે અને રાજ્ય કક્ષાએ પણ આ હેતુઓ માટે અને શાંતિ, એકતા અને સદભાવનાને વધુ બળવત્તર બનાવવા માટે આમુખ-૧ થી રાજ્ય એક્તા સમિતિની રચના કરવામાં આવી છે એજ રીતે રાજ્યના દરેક જિલ્લામાં કાયમી રીતે જિલ્લા એકતા સમિતિની રચના કરવામાં જણાવવામાં આવતા ગુજરાત સરકારના ગૃહ વિભાગના પત્ર મુજબ, જિલ્લા એકતા સમિતિમાં બિન સરકારી સભ્યોની નિમણૂક કરવા જણાવ્યું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ જિલ્લા એકતા સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં બિન-સરકારી સભ્યોની નિમણૂક માટે પસંદગી સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં કોમી એકતા અને એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા, કોમી બનાવોને નિવારવા માટે તેમજ કોમી તંગદિલી નિવારવામાં ઉપયોગી થાય તે માટે જિલ્લા એકતા સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં અધ્યક્ષ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, સભ્ય પોલીસ અધિક્ષક, સભ્ય જિલ્લા વિકાસ અધિકારી, સભ્ય સચિવ નિવાસી અધિક કલેકટર, સભ્યો,જિલ્લા શિક્ષણાધિકારી, સંસદ સભ્ય ડો.કે.સી.પટેલ, ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન હર્ષદભાઈ શાહ, હર્ષદભાઈ પરસોત્તમભાઈ કટારીયા, નરેન્દ્રભાઈ હરગોવનદાસ પટેલ, અનિલભાઈ દેવજીભાઈ વાઘીયા, અંબુભાઈ ઘેલાભાઈ પટેલ, ફાલ્ગુનીબેન અપૂર્વનંદ મહારાજ, ગીરીશભાઈ હરીભાઈ ટંડેલ, હેમીન વાપીવાલા, કમલેશભાઈ રામમોહન દેસાઈ, નરેશભાઈ રસીકભાઈ પટેલ અને મનોજભાઈ ડાહ્યાભાઈ ભંડારીનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સમિતિએ જિલ્લામાં કોમી એકતા અને એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા, કોમી બનાવો તેમજ કોમી તંગદિલીને નિવારવા ઉપયોગી થાય તે માટે સરકારશ્રીની વખતો વખતની સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે.
જોકે,આ સમિતિમાં શાંતિ સમિતિ માફક લઘુમતિ સમાજના સભ્યનો પણ જો સમાવેશ કરવામાં આવેતો જ્યારે કોઈ અનિચ્છનીય સંભવિત કોમી ઘટના બને તેવા સંજોગોમાં તે પક્ષના અગ્રણીની દરમિયાનગીરી થી મામલો તરતજ સાંભળી શકાય તેમ હોય છે આવા સંજોગોમાં આ સમિતિમાં લઘુમતિ સમાજના કોઈ એક સભ્ય ઉમેરવામાં આવ્યા હોતતો કામગીરી વધુ અસરકારક બની શકે તેવો મત લઘુમતિ સમાજમાં પ્રવર્તી રહ્યો છે.