વલસાડ તાલુકાના મગોદ ગ્રામ પંચાયતના ઉપસરપંચ કિરણભાઈ અશોકભાઈ હળપતિ સામે ગામના વિકાસના કામોમાં પરિવારના નજીકના સભ્યોને આર્થિક લાભ કરાવ્યો હોવા અંગે થયેલી ફરિયાદ બાદ તપાસમાં ઉપ સરપંચ કિરણભાઈ હળપતિ પોતાના બચાવમાં પુરાવા રજૂ નહિ કરી શકતા તેઓને સભ્યપદેથી દૂર કરવામાં આવતા સ્થાનિક વિસ્તારમાં આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે.
ઉપ સરપંચ સામે થયેલી ફરિયાદ બાદ વલસાડ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી.
તપાસ પૂર્ણ થતાં વલસાડ તાલુકા પંચાયતના TDOને વિસ્તરણ અધિકારીએ તપાસ નો રિપોર્ટ સુપ્રત કરાયા બાદ વલસાડ TDOએ બંને પક્ષનું હિયરિંગ હાથ ધર્યું હતું. જેમાં વલસાડના મગોદના ઉપસરપંચ કિરણભાઈ તેમના બચાવના કોઈ ચોક્કસ પુરાવાઓ રજૂ કરી શક્યા ન હતા. પરિણામે તાલુકા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયતના અધિનિયમ કલન 32 હેઠળ મગોદ ગામના ઉપસરપંચ ને ગ્રામ પંચાયતના સભ્ય પદ ઉપરથી ગેરલાયક ઠેરવ્યા હતા.
મહત્વનું છે કે મગોદ ગ્રામ પંચાયતના ઉપસરપંચ કિરણ
ભાઈના સાળાની એજન્સીને અંદાજે રૂ. 1 કરોડથી વધુના વિકાસના કામો અપાયા હતા જોકે, એજન્સી સંચાલકે બીલમાં ગામના ઉપ સરપંચ કિરણભાઈનો ફોન નંબર તેમજ બંધ થયેલો GST નંબર લખતા આખો મામલો સામે આવ્યો હતો. જેના આધારે અટાર ગામના જાગૃત નાગરિકે ફરિયાદ કરતા તમામ પુરાવાઓ ચેક કર્યા બાદ કિરણભાઈને ગ્રામ પંચાયતના સભ્ય પદ ઉપરથી દૂર કરવામાં આવતા સ્થાનિક વિસ્તારમાં આ પ્રકરણ ભારે ગાજયું છે.