વલસાડના અબ્રામા ખાતે શ્રી તડકેશ્વર મંદિર નજીક આવેલા પાર્ટી પ્લોટ સ્થિત મંડપના સામાન ભરેલા ગોડાઉનમાં આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી.
ગોડાઉનમાં ધૂમાડો નીકળતા જોઈને મંદિરે દર્શન કરવા આવેલા ભક્તોએ તાત્કાલિક સ્થાનિક લોકો અને ગોડાઉન સંચાલકને ઘટનાની જાણ કરતા આ અંગે તાત્કાલિક વલસાડ ફાયર વિભાગ સહિત વીજ કંપનીને જાણ કરાતા વલસાડ વીજ કંપનીની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાવર સપ્લાય બંધ કરી દીધો હતો અને વલસાડ ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.
સ્થાનિક લોકોએ પણ પાણીનો મારો તેમજ ફાયર એક્સિસ સિલિન્ડર વડે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે,સદ નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાનો બનાવ બન્યો ન હતો.
આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.