આજકાલ ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છેકે ખોટું કે નિયમ વિરુદ્ધ કોઈ ગેરકાયદે કામ થતું હોય તો તેની તપાસ કરી તેને રોકવાનું કામ સરકારના જેતે વિભાગો નું છે અને આ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ કે અધિકારીઓને તગડો પગાર ચૂકવવામાં આવે છે તેમછતાં આવા અધિકારીઓ આંખ આડા કાન કરી ખોટું કરતા લોકોને રોકતા નહિ હોવાથી ખુદ જનતાએ ફરિયાદો કરવી પડે છે તેમછતાં ભ્રષ્ટાચાર કરતા તત્વો ગેરરીતિ કરતા જ રહે છે આવું બધેજ જોવા મળી રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવુજ ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે.
વાપી નજીક વટાર ગામે સરપંચ દ્વારા તળાવમાંથી માટી ખોદી દમણની કંપનીમાં વેચી દઇ સત્તાનો દુરૂપયોગ કરવા મુદ્દે કલેક્ટર, ડીડીઓ અને ભૂસ્તરશાસ્ત્રીને લેખિતમાં ફરિયાદ થતાં ભારે ચકચાર મચી છે.
વટારના ગ્રામજનોએ કલેક્ટર, ડીડીઓ અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીને કરેલી લેખિતમાં ફરિયાદમાં જણાવ્યુ છે કે, વટાર ગામના સરપંચ દિનેશ ગોવિંદભાઇ હળપતિ તથા ઉપસરપંચ ભૂમિકાબેન સંતોષભાઇ પટેલ દ્વારા પાંચિયા ફળિયામાં આવેલ ખંભળાવ તળાવમાંથી સરકારી તળાવને ઉંડુ કરવા માટે દમણની કોઇ એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો હતો.
કોન્ટ્રાક્ટ પૂર્ણ થયેલ હોવા છતાં ગામના સરપંચ અને ઉપસરપંચ તળાવમાંથી માટી ખોદવાનું બંધ ન કરી માટી ખનન ચાલુ રાખી દમણની કંપનીમાં પૈસા લઇને વેચી રહ્યા છે.
તળાવ ઉંડું કરવા માટે સરકારે ધારાધોરણ મુજબ 10થી 15 ફુટ ઉંડું કરી શકાય છે. પરંતુ આ તળાવને 50થી 55 ફુટ ઉંડુ કરેલ જણાય છે અને હાલ પણ ખોદવાનું કામ ચાલુ છે ત્યારે આ પ્રકરણમાં તપાસની માંગ કરવામાં આવી છે.