વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદ થતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે અને વલસાડ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે મોગરાવાડી અને છીપવાડ રેલવે અંડર પાસ સહિત વાપી રેલવે અંડર પાસમાં, ભિલાડ રેલવે અંડર પાસ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
ઉપરાંત વલસાડ શહેરમાં પડેલા વરસાદને લઈને છેલ્લા બે દિવસમાં ચાર જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે ત્યારે આજે વધુ એક વૃક્ષ તૂટી પડ્યું હતું.
ધોબીતળાવ વિસ્તારમાં લીમડાનું ઝાડ કડાકા સાથે ધરાશાયી થયું હતું. ઝાડ નીચે એક બાઈક દબાઈ ગઈ હતી.
સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
આ વિસ્તારમાં કડાકા સાથે ઝાડ વીજ લાઈન ઉપર તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો દરમિયાન સ્થાનિક લોકોએ આ ઘટના અંગે તાત્કાલિક વીજ કંપનીને જાણ કરતા વીજ કંપનીએ તાત્કાલિક પાવર સપ્લાય બંધ કરી ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને વાયર ત્યાંથી દૂર કરવાની તજવીજ હાથ ધરી હતી.
તૂટી પડેલા તોતિંગ લીમડાના ઝાડને ત્યાંથી હઠાવી રસ્તો ખુલ્લો કરાયો હતો.