દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદી ,કોલક નદી અને દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે જેને લઈ વલસાડમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
મિશન કોલોની વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા અને લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા,કાશ્મીર નગર તેમજ છીપવાડ વિસ્તારમાં પાણી ભરાયા હતા.
કાશ્મીર નગરમાં પાણી ભરાતા આ વિસ્તારમાંથી અંદાજે 100 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વલસાડ સીટી મામલતદાર, મામલતદાર કચેરીનો સ્ટાફ, નગર પાલિકાની ટીમ, સીટી PI, અબે પોલીસ જવાનોઝ હોમગાર્ડ TRB સહિતના જવાનો લોકોને સ્થળાંતર કરવા સૂચનાઓ આપી છે.
ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓની સપાટીમાં સતત વધારો થતાં વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
ઔરંગા, પાર અને કોલક નદી ભય જનક સપાટી નજીક વહી રહી છે. જેને લીધે વલસાડ જિલ્લાના 22 જેટલા રસ્તાઓ વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યા છે.
વલસાડમાં છીપવાડ, મોગરાવાડી જેવા અનેક ગરનાળામાં પાણી ભરાયા હોવાથી લોકોને વૈકલ્પિક રસ્તાંઓ પરથી અવરજવર કરવી પડી રહી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાનું જનજીવન ખોરવાયુ છે.
છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાત માટે વરસાદી આફત તુટી પડ્યો છે, સાંબેલાધાર વરસાદ વરસતા કેટલીય જગ્યાએ જળ બંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે.
વલસાડ ઠેર ઠેર પાણી ભરાયા છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો હોય નદીઓમાં ઘોડાપુર આવ્યા છે.