બરોડા ડેરીના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. સતિષ પટેલ બરોડા ડેરીના નવા પ્રમુખ બન્યા છે, જ્યારે જી.બી સોલંકી ઉપપ્રમુખ બન્યા છે.
બરોડા ડેરી ખાતે યોજાયેલી ચૂંટણીમાં ભાજપા દ્વારા બે માસ પહેલાં જિલ્લા ભાજપા પ્રમુખને બરોડા ડેરીના પ્રમુખ તરીકે સતીષ પટેલ (નિશાળીયા)ને જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ છોડી ભાજપામાં આવી ગયેલા કોંગ્રેસના ડિરેક્ટર ક્રિપાલસિંહ મહારાઉલને જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, તેઓને કાપીને ભાજપા દ્વારા પુનઃ બરોડા ડેરીના પૂર્વ પ્રમુખ જી.બી. સોલંકીને જવાબદારી સોંપવામાં આવતા સહકારી ક્ષેત્રમાં સોંપો પડી ગયો હતો.
આજે બરોડા ડેરી ખાતે યોજાયેલી ચૂંટણીમાં ભાજપાના અગ્રણી ગોરધન ઝડફીયા, સાંસદ રંજનબહેન ભટ્ટ, ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા), સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત ભાજપા અગ્રણીઓ, શુભેચ્છકો હાજર રહ્યા હતા. અને નવનિયુક્ત પ્રમુખ સતીષ પટેલ (નિશાળીયા) અને ઉપપ્રમુખ જી.બી. સોલંકીને શુભેચ્છા પાઠવી હતી.
જે.બી.સોલંકીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આજે મને અને સતિષભાઈને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બરોડા ડેરીની જવાબદારી સોંપી છે. સાથે જ તેમણે કહ્યું કે, અમે આ જવાબદારી સારી રીતે નીભાવીશું. અમે પહેલાથી જ કહેતા હતા કે, જે પ્રકારનો મેન્ડેટ આવશે તેને અનુસરીશું અને આ ચૂંટણી બિનહરીફ રીતે સંપન્ન થઈ છે. અમે દૂધ ઉત્પાદકો અને મંડળીઓના સેવક છીએ અને સેવક તરીકે જ કામ કરીશું