— જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ક્ષિપ્રા આગ્રેએ મૂર્તિની બનાવટમાં ઝેરી અને ઉતરતી કક્ષાના સિન્થેટીક, રસાયણ કે કેમિકલ, ડાય યુક્ત રંગોનો ઉપયોગ ન કરવા તાકીદ કરી
— વિસર્જન યાત્રા પરમીટમાં દર્શાવેલા રૂટ સિવાય અન્ય રૂટ પર કાઢવી નહીં, પી.ઓ.પીની મૂર્તિ કૃત્રિમ તળાવોમાં જ વિસર્જન કરવી
વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશોત્સવનો તહેવાર ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ તા. ૧૯ સપ્ટેમ્બર થી ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી ગણેશ મહોત્સવનો તહેવાર ઉજવાશે. ત્યારે આ મહોત્સવ દરમિયાન ગણપતિ બાપ્પાની પ્રતિમાની ઉંચાઈ, બનાવટમાં વપરાતી સામગ્રી અને વિસર્જન બાબતે પ્રવર્તમાન માર્ગદર્શિકાનો અમલ અને કેટલાક કૃત્યો ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ક્ષિપ્રા આગ્રેએ બહાર પાડ્યું છે.
પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદૂષણને અટકાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ક્ષિપ્રા આગ્રેએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૨૦ નીચેની પેટા કલમ(૧) તેમજ આ અધિનિયમની કલમ – ૧૪૪ મુજબ મળેલી સત્તાની રૂએ પી.ઓ.પી. ની મૂર્તિઓ વિસર્જન સમયે પૂજન વિધિ કરી નદી, તળાવ કે દરિયામાં પધરાવવી કે મુકી જવી નહી તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવી નહીં. મૂર્તિઓની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાઈ તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓ રાખવી નહીં. મૂર્તિઓનું વેચાણ થયા બાદ વધેલી તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડીને જવું નહીં. જે અંગે જિલ્લાના ગણેશ મંડળોએ અમલ કરાવવાનો રહેશે તેમજ પોલીસ ખાતાએ પણ ખાસ તકેદારી રાખવાની રહેશે.
કોઈ પણ મૂર્તિકારો કે પ્રતિમા બનાવનાર કારીગરો અને કલાકારોએ શ્રી ગણેશજીની મૂર્તિ ૯ ફૂટથી વધારે (બેઠક સહિત) ઊંચાઈની બનાવવી નહીં કે વેચવી પણ નહીં. ગણેશ મંડળના આયોજકોએ પણ ગણપતિ બાપ્પાની મૂર્તિઓની ઉંચાઈ (બેઠક સહિત) ૯ ફૂટથી વધુ ન હોય તે મુજબ આયોજન કરવાનું રહેશે. વિસર્જન દરમિયાન પણ સરકારશ્રીની પ્રવર્તમાન નિયમોનુસારની કાર્યવાહી અનુસરવાની રહેશે.
મૂર્તિઓ પાણીમાં સહેલાઈથી ઓગળી શકે તેવા બિનઝેરી કુદરતી રંગોનો જ મૂર્તિની બનાવટમાં ઉપયોગ કરવાનો રહેશે. મૂર્તિઓની બનાવટમાં ઝેરી અને ઉતરતી કક્ષાના સિન્થેટીક, રસાયણ કે કેમિકલ, ડાય યુક્ત રંગોનો ઉપયોગ કરવો નહીં. મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવે છે તે જગ્યા તથા વેચાણની જગ્યાની આસપાસ ગંદકી કરવી નહી, તે બાબતે નગરપાલિકા તથા સક્ષમ સ્થાનિક સંસ્થાએ તકેદારી રાખવાની રહેશે.
વલસાડ બહારથી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકારો તેમજ વેપારીઓએ પણ આ નિયમોને પાલન કરવુ પડશે. વિસર્જન યાત્રા પણ પરમીટમાં દર્શાવેલા રૂટ સિવાય અન્ય રૂટ પર કાઢવી નહીં. નામદાર સુપ્રીમ કોર્ટ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વિસર્જનની ગાઈડલાઈન મુજબ વિસર્જનમાં તકેદારી રાખવી. સરકારશ્રીના ગૃહ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર હાઈકોર્ટ અને અન્ય ટ્રીબ્યુનલની વખતોવખતની સૂચના અને માર્ગદર્શન મુજબ ફેરફારો સંબંધિતોને બંધનકર્તા રહેશે.
આ હુકમની અમલવારી તા. ૨૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી કરવાની રહેશે. જો કોઈ આ હુકમનો ભંગ કે ઉલ્લઘંન કરશે તો તે ઈસમ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર કે તે ઉપરના હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.