એક ફોન કૉલ અને પોલીસ પહોંચી કુરકુરેના પૅકેટ લઈને! જાણો શું હતી માસૂમ બાળકની માગણી
મધ્યપ્રદેશના સિંગરૌલીમાં એક બાળકે અચાનક ડાયલ 112 પર ફોન લગાવ્યો. પોલીસે તેની વાત ધ્યાનથી સાંભળી. પછી કુરકુરેના પૅકેટ લઈને બાળકની પાસે પહોંચી. આનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બાળકે એવું તો શું કહ્યું હતું કે પોલીસને પોતે તેની પાસે કુરકુરેના પૅકેટ લઈને પહોંચવું પડ્યું, ચાલો જાણીએ…
મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાંથી એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને તમે પણ કહેશો- વાહ, પોલીસે તો દિલ જીતી લીધું. હકીકતમાં, એક 10 વર્ષના બાળકે પોલીસને ડાયલ 112 પર ફોન કર્યો હતો. તેણે પોલીસને જણાવ્યું – “અંકલ, મેં મમ્મી પાસે કુરકુરે માંગ્યા તો તેમણે દીદીની સાથે મળીને મને માર્યો.” પોલીસકર્મીએ સંવેદનશીલતા દર્શાવતા બાળકની આખી વાત સાંભળી અને પછી પોતે બાળકના ઘરે પહોંચીને તેને કુરકુરેના પૅકેટ આપીને તેનું દિલ જીત્યું.
મામલો ખુટાર ચોકી હેઠળના ચિરવઈ કલા ગામનો છે. અહીં રહેતો 10 વર્ષનો નાનો બાળક પોતાની માતા અને બહેન પાસે 20 રૂપિયાના કુરકુરેની માંગણી કરી રહ્યો હતો. માતા-બહેન આ વાતથી ગુસ્સે થઈ ગયા અને બાળકને માર માર્યો.
પોલીસને રડતા રડતા કર્યો બાળકે ફોન
માતા-બહેનના મારથી બાળક એટલો દુઃખી થયો કે તેણે ફોન ઉઠાવીને ડાયલ 112 પર કૉલ કરીને રડતાં રડતાં માતા અને બહેન દ્વારા માર મારવાની ફરિયાદ કરી દીધી. ડાયલ 112 પર તૈનાત પોલીસકર્મી ઉમેશ વિશ્વકર્માએ બાળકની આખી વાત સાંભળી અને તેને સમજાવ્યો. આ દરમિયાન બાળકની સાથે વાતચીત કરતાં પોલીસકર્મીએ વીડિયો પણ બનાવ્યો જે વાયરલ થઈ ગયો છે.
બાળકને ગિફ્ટ કર્યા કુરકુરેના પૅકેટ
જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં ડાયલ 112 માં બેસીને પોલીસકર્મી ઉમેશ વિશ્વકર્મા બાળક સાથે વાતચીત કરી રહ્યા છે અને બાળક પોતાના માસૂમ અવાજમાં તેમને જણાવી રહ્યો છે કે કુરકુરે માંગવા પર માતા-બહેને દોરડાથી બાંધીને માર્યો છે. બાળકની વાત સાંભળ્યા પછી પોલીસકર્મી ઉમેશ વિશ્વકર્માએ તેને કહ્યું કે તે આવી રહ્યા છે અને થોડીવાર પછી ઉમેશ વિશ્વકર્મા તેના ઘરે પહોંચ્યા અને માતા-બહેનને સમજાવટ આપવાની સાથે જ બાળકને કુરકુરેના પૅકેટ ગિફ્ટ કરીને તેને ખુશ કરી દીધો. પોલીસકર્મી ઉમેશની સંવેદનશીલતાની દરેક વ્યક્તિ પ્રશંસા કરી રહી છે. સોશિયલ મીડિયા પર પણ યુઝર્સ પોલીસના આ પગલાની સરાહના કરી રહ્યા છે.