રાજ્યમાં પેપર લીક થવાની ઘટનાઓ બાદ કહેવાતું હતું કે હવે કડક નિયમો આવશે અને કોઈ ચૂક નહિ થાય પણ આવું રેઢિયાળપણુ ચાલુ રહ્યું છે.
વડોદરા મ.સ.યુનિ. સોશિયલ વર્ક ફેકલ્ટીમાં પરીક્ષામાં પ્રશ્નપત્રની સુરક્ષામાં ચૂક થયાની ગંભીર ઘટના પ્રકાશમાંઆવી છે.
એમએસડબ્લ્યુ અને એમએચઆરએમની પ્રવેશ પરીક્ષાનાં પ્રશ્નપત્રો રિક્ષામાં ફેકલ્ટી સુધી લવાયાં હોવાનું સામે આવતા આ વાતે ભારે હોબાળો મચ્યોછે.
યુનિવર્સિટીની ગાડીમાં લવાતાં પ્રશ્નપત્રો રિક્ષામાં લવાવા મુદ્દે સેનેટ સભ્ય કપીલ જોશીએ જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી છે.
સેનેટ સભ્યે કહ્યું કે, ફેકલ્ટી તંત્રની કેવી લાલિયાવાડી છે કે પ્રશ્નપત્રો રિક્ષામાં લવાયાં હતાં. મોટાભાગે યુનિ.ની પરીક્ષા હોય તેમાં પેપર યુનિ.ની ગાડીમાં સુરક્ષા સાથે લવાય છે, પેપરો ગુમ થયાં હોત તો કોણ જવાબદાર ગણાય. આ પેપર ફૂટી નથી ગયાં, તેની શી ખાતરી. રિક્ષાવાળા સાથે જવાબદાર કર્મચારી હાજર નહતા.
સોશિયલ વર્ક ફેકલ્ટીમાં 1 જુલાઇએ એમએસડબ્લ્યુ અને એમએચઆરએમની પ્રવેશ પરીક્ષા લેવાઈ હતી.
પ્રશ્નપત્રોની ગુપ્તતા જાળવવામાં ફેકલ્ટી સત્તાધીશો નિષ્ફળ નિવડ્યા હોવાના આક્ષેપો સેનેટ સભ્ય દ્વારા કરાયા હતા.