અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવી ઓપન પાર્ટી પ્લોટ ખાતેથી તિરંગા યાત્રાની શરૂઆત કરાવી હતી.
ઘાટલોડિયાથી નિર્ણયનગર સુધી ભારત માતા કી જયના નાદ સાથે તિરંગા યાત્રા નીકળી હતી જેમાં દેશની ત્રણેય પાંખના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારથી નિર્ણયનગર સુધી તિરંગાનું આયોજન કરાયું હતું.
તિરંગા યાત્રામાં સૌથી પહેલા દેશની ત્રણેય પાંખના જવાનો અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના રાજકીય આગેવાનો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રા જોવા માટે લોકો પોતાના ઘરની બાલ્કની અને ધાબા ઉપર ઊભા રહી ગયા હતા. તો કેટલાક નાગરિકોએ પોતાના હાથમાં તિરંગો લહેરાવી અને તિરંગા યાત્રામાં જોડાયેલા લોકોનું સ્વાગત કર્યું હતુ.
આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.