કચરો હતો 80 લાખ પણ 95 લાખ મેટ્રિક ટન કચરો કઈ રીતે ઉપાડાયો? 1988થી ભાજપનું અમદાવાદ પર રાજ કર્યું અને કચરાનો ડુંગર ખડકી દીધો, પીરાણા ડુંગરથી હજારો લોકો અજાણતા જ રોગના ભોગ બની મોતને ભેટ્યા તેની જવાબદારી કોની?
લોક-જંગ : અમદાવાદવાના પિરાણાના કચરાના ડુંગર હટાવાયો છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પિરાણા કચરા ઠાલવવાની જગ્યા પરથી 95 લાખ મેટ્રિક ટન કચરો સાફ કરવામાં આવ્યો છે. ₹ 2200 કરોડની કિંમતની જમીન ટૂંક સમયમાં ખુલ્લી થઇ જશે. અત્યારે અહીં 85 એકર પૈકી 35 એકર જમીનમાંથી કચરો સાફ કરવામાં આવ્યો છે.
લોકસભાની ચૂંટણીમાં કચરાનું રાજકારણ શરુ
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ગુજરાત સરકારની ઉત્કૃષ્ટ કામગીરીની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી હોવાની જાહેરાત મુખ્ય પ્રધાને કરી છે તેનો લાભ લોકસભાની ચૂંટણીમાં લેવા માટેની તૈયારીના ભાગરૂપે આ થઈ રહ્યું છે. મુખ્ય પ્રધાને જાહેર કર્યું કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ગુજરાતે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. ભારતમાં વાહવાહ કરાવવા માટે ભાજપ સરકારે કચરાનો પ્રચાર શરૂ કર્યો છે. ખુદ મુખ્ય પ્રરધાન ભૂપેન્ર્દ પટેલ આ અંગે પ્રચાર શરૂ કર્યો છે. જે જાહેરાત અમદાવાદ મહાનગરપાલિકાએ કરવી જોઈતી હતી, તે જાહેરાત મુખ્ય પ્રધાન કરી રહ્યાં છે. જે બતાવે છે કે આખો મુદ્દો રાજકીય બનાવવામાં આવી રહ્યો છે.
ભાજપની સરકારે જાહેર કર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગ્રીન એનર્જી, આઇ.ટી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં યુદ્ધના ધોરણે કામ થઇ રહ્યું છે. તેના લીધે અમદાવાદવાસીઓને હવે પિરાણાના કચરાના ડુંગરમાંથી રાહત મળી છે. પિરાણા સાઇટની કામગીરીની દેશભરમાં પ્રશંસા થઇ રહી છે. તાજેતરમાં કેરળથી આવેલા પ્રતિનિધિઓએ પણ આ સાઇટની મુલાકાત લીધી હતી. જે ધોરણે કામગીરી થઇ રહી છે, તેનાથી તેઓ પ્રભાવિત થયા હતા. આ પહેલા પણ હૈદરાબાદ, પૂણે, ફરીદાબાદ, કોલકાતા અને કોયંબતૂરથી પ્રતિનિધિ અહીં આવીને કામગીરી જોઇ ચૂક્યા છે.
આમ દેશના મતદારોને કચરાના નામે પ્રભાવિત કરીને મત ખંખેરવાની પેરવી મોદી સરકારે શરૂ કરી છે. જેના ભાગરૂપે ભૂપેન્દ્ર પટેલે પ્રચાર શરૂ કરી દીધો છે. પણ કચરા પાછળની ખરી વાત જે લોકો જાણે છે તે આને કચરાનું રાજકારણ કહી રહ્યાં છે.
2019માં પિરાણા-બાયો માઇનિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં 300 ટન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા ટ્રોમીલ મશીનો સ્થળ પર મૂકાયા હતા. અત્યારે રોજના 300 ટન કચરો સાફ કરવાની ક્ષમતાના 60 ટ્રોમીલ મશીન મૂકાયા છે. 1 હજાર ટન કટરો રોજનો સાફ કરે એવા 11 ઓટોમેટેડ સિગ્રિગેશન મશીનો છે. 63 એક્સ્કેવેટર્સ અને 267 હાયવા ટ્રક કામ કરે છે.
દરરોજ બે શિફ્ટમાં 30 હજાર મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ સાઇટ પર કરવામાં આવે છે. પિરાણામાં 85 એકર વિસ્તારમાં કચરાના ડુંગર છે. જ્યાં છેલ્લા ચાર દાયકાથી શહેરનો 1 કરોડ 25 લાખ મેટ્રિક ટન કરતા વધુ કચરો એકઠો થયો છે.
રોજ 3500 ટન કચરો
AMCની પીરાણા ડમ્પ સાઈટ 84 હેક્ટરમાં છે. જેમાં 65 હેક્ટરમાં કચરાના પહાડ બની ગયા હતા. 2030 સુધીમાં બીજી 100 એકર જમીન કચરો નાંખવા માટે જોઈશે. 2030માં અમદાવાદમાં 5000 મેટ્રિક ટન કચરો નિકળતો હશે. શહેરનો તમામ કચરો પીરાણા પર્વતમાં ભાજપનું શાસન 1988થી આવ્યું ત્યારથી 30 વર્ષથી નાંખીને 85 મીટર સુધી ઉંચાં 3 ડુંગર બની ગયા છે. જ્યાંથી પ્રદૂષણ અને રોગચાળો ફેલાય છે. અમદાવાદ શહેરમાંથી રોજ 1000 વાહનો દ્વારા 3500 મેટ્રિક ટન કચરો એકત્ર કરવામાં આવે છે. જેમાં 900 ટન જેટલો કચરો ખાતર વગેરે બનાવવા માટે ઉપયોગમાં લેવાતો હતો. 1,000 ટન ડેબ્રિજ રિસાયકલ કરાતી હતી.
નિષ્ફળ મેયરો
અમદાવાદ શહેર 46,416 હેક્ટરમાં ફેલાયેલું છે. અમદાવાદમાં સુકો અને ભીનો કચરો અલગ રાખવાની અને કચરો લેવા આવનારને અલગ આપવાની કામગીરી 3 ડિસેમ્બર 2018થી શરૂ કરી પણ તે નિષ્ફળ રહી છે. અમદાવાદ શહેરના 22 લાખ ઘરમાંથી 10 હજાર ઘર કચરો જુદો પાડ તો હતો. કીચન વેસ્ટનો હિસ્સો લગભગ 45 ટકા છે. શહેરમાં 1100 સ્થળો પરથી કચરો એકત્ર થાય છે. કચરો અલગ કરવા 50 લાખ ડસ્ટબીન દરેક ઘરે 2ના પ્રમાણમાં આપવામાં આવી હતી. ખર્ચ માથે પડ્યું છે.
સરકારે દાવો કર્યો હતો કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ગુજરાત સરકારની ઉત્કૃષ્ટ કામગીરીની સમગ્ર દેશમાં ચર્ચા છે. પણ અંદર તો ઘણી પોલ છે.
સાચું શું
સરકાર 1 કરોડ 25 લાખ ટન કચરો જાહેર કર્યો છે. પણ અગાઉ તો 80 લાખ ટન જાહેર કર્યો હતો. તો પછી 45 લાખ ટન કચરો કેમ વધી ગયો. આ એક મોટું કૌભાંડ હોઈ શકે છે. કારણ કે ધારાણા કરતાં 50 ટકા કચરો વધી ગયો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1991ની સાલથી પીરાણા ખાતે કચરો ઠાલવવામાં આવી રહયો છે. જેના કારણે આ સ્થળે 45 મીટર ઉંચો કચરોનો ડુંગર થઈ ગયો છે. 85 એકર જમીનમાં 80 લાખ મેટ્રીકટન કચરો હતો. એટલું બિલ પણ વધશે.
ખાતર
ટ્રોમીલ મશીન કચરાને અલગ પાડે છે. રોડ ટ્રીટ ટ્રોમીલ મશીન સાઇટ પર કાર્યરત છે. આ મશીનની મદદથી કચરામાંથી માટી, કાપડ, પ્લાસ્ટિક, લોખંડ, લાકડું સહિતની ચીજોનું પૃથક્કરણ કરવામાં આવે છે. આ મશીનની મદદથી કચરાનો ભુક્કો કરીને તેને ખાતર જેવું બનાવી દેવામાં આવે છે.
ધોલેરામાં કચરો
કચરામાંથી નીકળતી માટીનો ધોલેરા અને અન્ય પ્રોજેક્ટમાં ઉપયોગ થાય છે. 70 ટકા માટી નીકળી રહી છે. આ માટીનો ઉપયોગ ધોલેરા પ્રોજેકટમાં હાઇવેમાં થઇ રહ્યો છે. તે સિવાય સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-2 અને સાબરમતી ગાંધી આશ્રમની રિડેવલપમેન્ટ કામગીરીમાં પિરાણાથી માટી મોકલવામાં આવી રહીછે. આ માટીની ઉપલબ્ધિ કરાવવાથી કોર્પોરેશનને આવક પણ ઉભી થઇ છે.
300થી 1000 મે.ટન કચરો પ્રોસેસ કરવાની શરતો હતી પરંતુ તે મુજબ કંપનીઓ દ્વારા કચરો લેવામાં આવતો ન હતો. પ્રોસેસ પણ થતો નથી તે બાબત જગજાહેર છે. પરંતુ એક મહત્વની બાબત મ્યુનિ. કમીશ્નર અને સોલીડ વેસ્ટ ડાયરેકટર દ્વારા છુપાવવામાં આવી છે.
કૌભાંડ અને વિવાદ
1999ની સાલમાં એકસલ ઈન્ડ. સાથે દૈનિક 300 ટન કચરો પ્રોસેસ કરવા માટે કરાર થયા હતા. કરારની મુદત 15 વર્ષની હતી. જે 2014-15માં પૂરી થઈ હતી. જમીન લીધા વગર મુદત 2019 સુધી એકસલ ઈન્ડ.ને આપી હતી. જે નિયમ વિરૂધ્ધ હતું. વિરોધ થતાં પછી, એકસલ ઈન્ડ.પાસેથી જમીનની માંગણી કરી હતી. જેનો કંપની દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો હતો. સોલીડ વેસ્ટ વિભાગે કંપનીને સીલ કરવામાં આવી હતી. એકસલ ઈન્ડ. દ્વારા બીજા દિવસે જ સીલ તોડવામાં આવ્યા હતા. પછી અમપાએ એકસલ ઈન્ડ. સાથે સમાધાન કર્યું હતું. જેના ભાગરૂપે ડમ્પીંગ સાઈટ પર ટ્રો-મીલ મુકવામાં આવ્યું હતું. એકસઈ ઈન્ડ. સામે નમતુ જોખવામાં આવ્યું હતું.
પીરાણા ડમ્પીંગ સાઈટ પર એકસલ ઈન્ડ. દ્વારા જે ટ્રો-મીલ લગાવવામાં આવ્યું તે પ્રકારનું મશીન કચરો પ્રોસેસ કરનાર દરેક કંપનીના પ્લાન્ટ પર જ હોય છે. સદ્દર મશીન પ્લાસ્ટીક વેસ્ટ,ડેબરીઝ તથા અન્ય પ્રકારના કચરાને અલગ કરે છે. ટ્રો-મીલ મશીન દ્વારા 300 મે.ટન કચરાને છુટો પાડવામાં આવ્યા બાદ તેને હયાત ડુંગરની પાછળ જ ખાલી કરવામાં આવતો હતો. પ્લાસ્ટીક વેસ્ટ કે ડેબરીઝના નિકાલ માટે કંપની સાથે કરાર થયા ન હતા. ખરેખર કેટલો કચરો સાફ કરાયો તેનો કોઈ હિસાબ ન હતો.
મ્યુનિ. કમીશ્નરે માત્ર બે વર્ષમાં જ પીરાણા ડુંગરને સમથળ કરવા માટેના દાવા કર્યા હતા. ખરેખર તો પધ્ધતિથી 10 વર્ષમાં પણ પીરાણાના કચરાનો નિકાલ થઈ શકે તેમ ન હતો. કારણ કે અમદાવાદ શહેરમાંથી દરરોજ 3700 મે.ટન કચરો નિકળે છે. તેમાંથી 1500 ટન પ્રોસેસ માટે આપવામાં આવતો હતો. બાકીનો 1700થી 2 હજાર ટન કચરો પીરાણામાં ડંપ કરાતો હતો. 80 લાખ મેટ્રીક ટન કચરો 300 ટન મુજબ ઉપાડવામાં 73 થાય તેમ છે. બીજા 30 મીશન મૂકવાનો પછી નિર્ણય કરાયો હતો. તેથી દૈનિક 9 હજાર મે.ટન કચરાનો નિકાલ થશે. જે 3 વર્ષમાં થઈ શકે છે. રોજ 4400 મે.ટન કચરાનો નિકાલ થાય તો પણ ઓછામાં ઓછા 5 વર્ષનો સમય થાય તેમ હતો.
ભૂગર્ભ ઝેરી પાણી પીવાલાયક નથી
એલડી એન્જીનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ તેમના પ્રોફેસરોના માર્ગદર્શન હેઠળ લેન્ડફીલ સાઈટની આસપાસના ભૂગર્ભજળના સેમ્પલો લઈને તેની લેબોરેટરી તપાસ કરતા બહેરામપુરા,નગમાનગર,ફૈઝલનગર સહીતના અનેક વિસ્તારોમાં પાણી પીવા લાયક ન હોવાના તારણો સામે આવ્યા છે.મેગનેશિયમની માત્રા પ્રતિ લિટર 30 ગ્રામ હોવી જાઈએ એને બદલે એક સ્થળે 320 મીલીગ્રામ જાવા મળી હતી.કેલ્શિયમનુ પ્રમાણ છ ગણુ વધુ જાવામળ્યુ હતુ.તો ટોટલ ડીસોલ્વ સોલ્ટ જેને ટુંકમાં ટીડીએસ તરીકે ઓળખવામાં આવે છે તે 2.5 હોવુ જાઈએ તેને બદલે સાતગણુ વધુ જાવા મળ્યુ હતુ.નાઈટ્રેટનુ પ્રમાણ પાંચ ગણુ વધુ જાવા મળ્યુ હતુ.
ઝેરી હવા
પીરાણાનો ઝેરી ધુમાડા શ્વસનતંત્ર સંબંધિત બીમારીઓ થઈ છે અને હજારો લોકો જાણ વગર મોતને ભેટ્યા છે. આ ગેસના કારણે કેન્સર, હૃદય અને શ્વસનની બીમારીઓ થઈ શકે છે. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ગાંધીનગર IIT, વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી, પૂણેની ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટિઅરૉલજિ અને દિલ્હીની એમિટી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સ્ટડી હાથ ધર્યું હતું. આ ધુમાડાની અસર ડિસ્પર્શન મોડલ મુજબ, આંબાવાડી, પાલડી, નવરંગપુરા, સેટેલાઈટ, વસ્ત્રાપુર અને બોડકદેવ, પાલડી, વાસણા, સરખેજ, જુહાપુરા, રાણીપ, મોટેરા, સાબરમતી, પશ્ચિમ અમદાવાદ, હાથીજણ, વટવા, વસ્ત્રાલ, મણીનગર, ઈસનપુર, બાપુનગર વિસ્તારો સુધી જોવા મળી હતી. મે 2017માં ડિસ્પર્શન મોડલ દ્વારા જોવા મળ્યું હતું કે, કઠલાલ અને ખેડા સુધીના વિસ્તારો સુધી ગૂંગળાવી નાખતી બાષ્પ જોવા મળી હતી.
20 નોન-મિથેન VOC ગેસ
આ ગેસમાં આઈસોપ્રિન, બેન્ઝિન, cis-2-બ્યુટેન, પ્રોપિલિન, મેટા-ઝાયલિન, ઈથેલિન અને ટ્રાન્સ-ટુ-બ્યુટેન રહેલા છે. જે પીરાણામાંથી નીકળતા 20 નોન-મિથેન VOC ગેસમાં 72-75 ટકા હિસ્સો ધરાવે છે. વૈજ્ઞાનિકોએ આ માપવા માટે GC-FDI (ગેસ ક્રોમેટોગ્રાફી-ફ્લેમ આયનાઈઝેશન ડિટેક્ટર)નો ઉપયોગ કર્યો હતો. જેમાં 2017 બાદ પીરણામાંથી ફેલાયેલા 20 નોન-મિથેન VOC (વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ) માપ્યા હતા.
બેન્ઝિનથી કેન્સર
પીરાણા સાઈટ, 500 મીટર અને 800 મીટરના વિસ્તાર બાદ ડમ્પિંગ સાઈટથી અઢી કિલોમીટરના અંતરે આવેલા વિસ્તારોમાંથી સેમ્પલ લીધા હતા. toluene-butane ગેસનું પ્રમાણ ટ્રાફિક જંક્શન કરતાં ત્રણ ગણું વધારે હતું. સ્ટડી મુજબ, બેન્ઝિન લોકોમાં કેન્સર પેદા કરી શકે છે. PBCRએ 2007થી 2016 દરમિયાન અમદાવાદમાં કેન્સરના કેસમાં 60%નો વધારો જાહેર કર્યો હતો. વાર્ષિક 4.8%નો વધારો થઈ રહ્યો છે. તેથી આંકડા સરકાર છુપાવી રહી છે.
એચસીજી કેન્સર સેન્ટરમાં 29 હજાર નવા કેસ હોસ્પિટલમાં નોંધાયા છે. જેમાં પીરાણા ડંપ સાઈટ એટલી જ જવાબદાર છે.
બે લાખ લોકોને સીધી અસર
પીરાણાની આસપાસના 500 મીટરથી 1 કિલો મિટર સુધીના બહેરામપુરા, પીરાણા, ગ્યાસપુર, ફૈસલ નગર, છીપાકુવા, વાસણાના બે લાખ લોકોને દુર્ગંધ તથા ઝેરી મિથેન ઝેરી ગેસના કારણે રોજ આફત આવે છે. કાર્બન ડાયોકસાઇડ, નાઇટ્રેટ ઓકસાઇડ સહિત 35 જેટલા ઝેરી વાયુઓ હવામાં ભળે છે. અહીં રહેતી દરેક વ્યક્તિ કોઇ ને કોઇ બીમારીથી પીડાય છે અને કમાણીના પૈસા દવામાં ખર્ચી રહી છે. 1 ઘન ફૂટ કચરા પર અંદાજે 70 હજાર માખી હોય છે. આ વિસ્તારના લોકો વારંવાર બીમારીનો ભોગ બને છે. શ્વાસના રોગ, અસ્થમા, ફેફસાંનાં કેન્સર, ન્યુમોનિયા કે ટી.બી. સહિતના રોગથી પીડાતા દર્દીઓની સંખ્યા વધુ પ્રમાણમાં છે.
આગ
પીરાણા ડમ્પ સાઇટમાં દર મહિને સરેરાશ દોઢ મોટી આગ લાગે છે જેમાં પ્રદૂષણ વધે છે, આગને ઠારવા 150થી 200 ટેન્કર પાણી નાંખવું પડે છે. ડુંગરની પાછળ કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે, જે પ્રદુષિત પાણી તેની ઓથમાં ઠાલવી દે છે. તેથી લોકો માટે જોખમ ઊભું કરે છે.
ઝેરી ધુમાડાથી AC બંધ
પીરાણાના કચરામાંથી નીકળતા ઝેરી ધુમાડાના કારણે 6 કિ.મી. આસપાસ દર 8-10 મહિને એસીમાંથી ગેસ નિકળવાની સમસ્યા છે. સામાન્ય હવા હોય તો તે 7 વર્ષે ગેસ પુરાવો પડે છે. પાઈપોના વળાંકના સાંધા તોડી નાખે છે એટલે ગેસ લીક થવા લાગે છે. એક વારની આ સમસ્યાનો ખર્ચ અંદાજે રૂા.3500 થી 4000નો થાય છે.
પ્લાસ્ટીકના ઝેરી વાયુનો પહાડ
1 કરોડ ટન કચરામાં 12 ટકા કે 12 લાખ ટન પ્લાસ્ટિક અને સિન્થેટિક કચરો હોઈ શકે છે. ગુજરાતમાં સૌથી વધું અમદાવાદના પ્રત્યેક લોકો 1.2 કિલો પ્લાસ્ટિક વાપરે છે. રોજ 241000 કિલો પ્લાસ્ટિક વાપરે છે. કચરો બાળવામાં આવે ત્યારે તેમાં પ્લાસ્ટિક અને સિન્થેટિક બળે છે. જે હવામાં ઝેરી ગેસ ફેલાવે છે. શ્વાસમાં આ ઝેરી ગેસ જાય એટલે કેન્સર સહિતની જીવલેણ બીમારી અહીંના લોકોને થઈ રહી છે.
સરખેજથી નારોલ જવા માટે લાખો લોકો અહીંથી વાહનમાં પાંચ મિનિટ માટે પસાર થાય છે તો પણ ગળામાં બળતરા થવાની સાથે માથાનો દુ:ખાવો થાય છે. પ્લાસ્ટિક ધૂમાડામાં બ્રોમાઈડ તેમજ ક્રુમિયમ, કોપર, કોબાલ્ટ, સેલેનિયમ, લીડ અને કેડિયમ જેવા ખતરનાક પ્રદૂષકો હોય છે. જેનાથી કેન્સર, કિડની, શ્વાસ, લોહી અને હાર્ટ સહિતની બીમારી થઈ શકે છે.
નિયમ ભંગ
ડંપીગ સાઇટ અંગે નીયમ છે કે સાઇટ પર 10 સેન્ટીમીટર કચરો નાંખ્યા બાદ તેના પર તેટલી માટી નાખવી. વરસાદી પાણીના નીકાલ માટે નાળા, ચારેબાજુ વાડ, માણસ અને પશુઓને પ્રવેશ બંધી હોવી જોઈએ. AMC દ્વારા કરવામા આવી નથી. સૉલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું પણ અમલીકરણ થતું નથી.
વિકલ્પ બંધ
પીરાણા સાઈટ બંધ કરીને વણઝર અને કમોડ ગામની નવી સાઈટ પર કચરો નાંખવાનું નક્કી કરાયું હતું. જેનો વિરોધ થતાં તે પ્રોજેક્ટ બંધ કરાયો હતો.
રીસાયકલ 1
ગરીબ લોકો 11 કલાક સુધી પ્લાસ્ટીકનો કચરો વીણીને ખોરાક ખરીદે છે. ગરીબોના નાના બાળકો પણ તેમની સાથે પીરાણા આવે છે. પીરાણાના કચરાના ઢગ પર કચરો વિણવા પર પ્રતિબંધ મૂકેલો છે. છતાં સેવા સંસ્થા દ્વારા પ્રમાણિત 60 મહિલાઓને જ અહીં કચરો વીણવાની છૂટ આપી હતી.
રીસાયકલ 2
કચરામાંથી વીજળી બનાવવા 2 કંપની સાથે કરાર થયા જેમાં 2,000 મેટ્રિક ટન કચરો વપરાવાનો હતો. 3 કંપની દ્વારા રોજ 900 મેટ્રિક ટન કચરમાંથી ખાતર બનાવવામાં આવી રહ્યું છે. રોજ 700 મેટ્રિક ટન ડેબ્રિજ સામે 500 મેટ્રિક ટન ડેબ્રિજમાંથી સ્કિટ ફર્નિચર બને છે. છ કંપનીને જમીન આપવામાં આવી હતી. બીજી કંપનીઓએ કામ ચાલુ ન કરતાં તેમની પાસેથી A TO Z કંપનીને રૂ.50 લાખ પેનલ્ટી કરીને રૃ.1.50 કરોડ ડીપોઝીટ જપ્ત લઈને બ્લેક લિસ્ટ કરાઈ હતી.
ગ્રીન કવર ભ્રષ્ટ થયું
પીરાણીને કેપિંગ – માટીથી ઢાંકી – દેવાનો રૂ.374 કરોડનો પ્રોજેકટ બનાવાયો હતો. ડુંગર પર માટી નાંખી બગીચો બનાવવાનું 21 વર્ષથી આયોજન હતું. કેન્દ્ર સરકારની 35 ટકા, રાજ્ય સરકારની 25 ટકા અને અર્બન લોકલ બોડી 40 ટકા આપવાની હતી. 15 વર્ષ સુધીના મેન્ટેનન્સ પેટે રૂ.107 કરોડના ખર્ચનો પણ તેમાં હતો. આ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ તરીકે આઇએલએફએસ લિમિટેડની પસંદગી કરાઇ હતી. આરસીસીની કમ્પાઉન્ડ વોલથી આવરી લેવાની હતી. ‘ગ્રીન કવચ’ કરેવાનું હતું. જેમાં રૂ.50 કરોડ મળ્યા હતા. ભ્રષ્ટાચારની શંકા જતા કંઈ થઈ શક્યું નથી.
ભાજપ સરકારો નિષ્ફળ
2016માં રાજ્યની ભાજપ સરકારે વેસ્ટ ટૂ એનર્જી નીતિ જાહેર કરીને કચરો ડમ્પ કરવાના બદલે તેની પ્રોસેસ કરી વીજળી પેદા કરવા યોજના બનાવી હતી. હજુ સુધી ગુજરાતના એક પણ શહેરમાં વીજળી પેદા થતી હોય એવો એક પણ પ્લાંટ કામ કરતો નથી.
રાજ્યમાં રોજ 35 લાખ ટન કચરો
ગુજરાતની 6.50 કરોડ પ્રજામાંથી 2 કરોડ પ્રજા જ્યાં રહે છે તે શહેરો સૌથી વધું કચરો પેદા કરે છે. ગુજરાત રાજ્યની 8 મહાનગરપાલિકા તથા 162 પાલિકામાં રોજ 10 હજાર ટન કચરો પેદા થાય છે. જેમાં 80 ટકા પાલિકાઓમાં ચારેબાજુ કચરાના ગંજ છે. જેમાંથી માત્ર 20 ટકા પ્રોસસ થાય છે.
રાજ્યભરમાં વર્ષે 35 લાખ ટન કચરો ઠલવાય છે. જે માનવ જીવન માટે જોખમી હોવા છતાં ગુજરાતની ભાજપની 7 સરકાર તેનું રીસાયકલ કરવામાં નિષ્ફળ ગઈ છે. 90 ટકા ગામડાઓ ઉકરડા બની ગયા છે. 60 લાખથી વધુ વસતી ધરાવતા અમદાવાદ શહેરમાં વર્ષે 12.50 લાખ ટન એટલો જ સુરતમાં અને બીજો એટલો બાકીની 6 મહાનગર પાલિકામાં કચરો પેદા થાય છે.
અમેરિકન પ્રતિનિધિ મંડળ
પીરાણા ડમ્પિંગ સાઈટની સમસ્યા ઉકેલવા 15 ડિસેમ્બર 2017ના રોજ અમેરિકન ડેલિગેશનના ડેવિડ મૂ એલિઝાબેથ મિથાની અને ત્રિશાએ સાઈટની મુલાકાત લીધી હતી. સાઈટની મુલાકાત લીધા પછી આ વિસ્તારના લોકોની પણ મુલાકાત લઈને બીમારીઓથી પીડિત લોકો સાથે વાતચીત કરી હતી. તેમની સમસ્યા જાણી હતી. અમેરિકા સહયોગ આપવાનું હતું. પણ કંઈ થયું નહીં.
પિરાણા સાઇટની કામગીરી જોવા માટે કેરળ, હૈદરાબાદ, પૂણે, ફરીદાબાદ, કોલકાતા અને કોયંબતૂરથી પ્રતિનિધિ આવ્યા હતા.
જંગલ બનાવાયું
AMCએ પીરાણા પાસે ગ્યાસપુર ફોરેસ્ટ્રી માટે વર્ષ 2005માં 100 વૃક્ષો ઉગાડીને પ્રોજેક્ટ શરુ થયો હતો અને આજે તે હરિયાળું જંગલ બની ગયું છે. પક્ષીઓ, પ્રાણીઓ અને અન્ય વન્ય જીવો આવીને વસવાટ પણ કરવા લાગ્યા છે. પીરાણા વિસ્તારના આ ‘જંગલમાં’ 110 પ્રકારના પક્ષીઓ જેમાં 40 મોર પણ સામેલ છે તે ઉપરાંત 30 નીલગાય, 10 શેળા, શિયાળ, કેટલાક નોળિયા અને 15 જાતના સાપ પણ જોવા મળ્યા છે. વન વિભાગ આવું કરી શકે તો અમદાવાદ મહાનગર પાલિકા કેમ નહીં એવો પ્રશ્ન લોકો પૂછી રહ્યાં છે.
બોપલ-ઘુમા ડમ્પ સાઇટ
બોપલ-ઘુમા ડમ્પ સાઇટ દસ વર્ષથી અસ્તિત્વમાં હતી જ્યાં 2.5 લાખ મેટ્રિક ટન જેટલો કચરો એકઠો થયો હતો. કોર્પોરેશને જુલાઇ 2020માં 1000 ટન પ્રતિ દિવસની પૃથક્કરણ ક્ષમતા ધરાવતા મશીનો સાથે અહીં કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ છ મહિનામાં આ સાઇટને સાફ કરીને 6 એકર જગ્યા ખૂલ્લી કરવામાં આવેલી છે. અત્યારે અહીં ઇકોલોજીકલ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube