RBI ની સેમ-ડે ચેક ક્લિયરિંગ યોજના મુશ્કેલીમાં: ધીમા સર્વર્સ ચેક ક્લિયરિંગથી રોકી રહ્યા છે, બેંકો કહે છે ‘દિવાળી સુધી મુલતવી રાખો’!
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ચોથી ઓક્ટોબરથી દેશભરમાં સમાન દિવસે ચેક ક્લીયરીંગની યોજના અમલમાં મૂકી છે પણ ફૂલપ્રૂફ પૂર્વ આયોજનના અભાવે સમાન દિવસે ચેક ક્લીયરીંગ યોજનામાં દેશમાં ધીમા સર્વર કે ચોકઅપ જેવા ટેકનિકલ કારણોસર ચેકના ક્લીયરીંગ નહીં થવાના કારણે ગ્રાહકો ત્રાહીમામ પોકારી ગયા છે. તો બેંકોના સ્ટાફને આ યોજનાના કારણે રાત ઉજાગરા કરવા પડી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે.
અનેક કિસ્સાઓમાં 4-5 ઓક્ટોબરે જમા કરાયેલા ચેક હજી સુધી ક્લીયર થયા નથી. દરરોજ સાંજે 4 વાગ્યાનો સમય નક્કી થયો હોવા છતાં મોડીરાત્રિ સુધી સેટલમેન્ટ રિપોર્ટ મોકલવામાં આવતા સ્ટાફને રાત ઉજાગરા કરવા પડી રહ્યા છે. તેમાંય હાલ દિવાળીના તહેવારોના કારણે આ યોજનાના અમલીકરણમાં સમસ્યા વધુ જટીલ બની રહી છે.
આ સંજોગોમાં ગુજરાત સહિત દેશની બેંકોએ રિઝર્વ બેંકના ચીફ જનરલ મેનજરને આવેદન પાઠવી આ યોજનાનો અમલ કમસે-કમ એક મહિના સુધી મોકુફ રાખવા રજુઆત કરી છે. જેથી દિવાળીના તહેવારો પર બેંકોના ગ્રાહકો, વેપારીઓ તથા આમ જનતાને કોઈ મુશ્કેલી પડે નહીં.