Gujarat છાપાની પ્રિન્ટ કાઢ્યા વિના ફરતા ફરફરિયાઓનો દિવાળી ટાણે રાફડો ફાટ્યો, વીકલી અખબારના નામે જાહેરખબરની ઉઘરાણી

2 Min Read

Gujarat અખબારી જગતમાં આજકાલ એક વારસો અને આઘાતજનક ટ્રેન્ડ ચાલી રહ્યો છે.એમાંય વળી સમગ્ર ગુજરાતમાં તો વીકલી ફરફરિયાનાં નામે સંખ્યબંધ લોકો પત્રકાર બનીને મહાલી રહ્યા છે. આના કારણે જેન્યુઈન પત્રકાર તરીકે સ્થાપિત થયેલા પત્રકારો અને અખબારો માટે મોટી મોકાણ સર્જાઈ રહી છે અને જેન્યુઈન પત્રકારોને અનેકોવાર નીચાજોણું થવાનો વારો આવતા હોવાના અનેક બનાવો પણ બન્યા છે.

રજિસ્ટ્રાર ન્યૂઝ પેપર ઓફ ઈન્ડિયામાંથી વીકલી કે મન્થલી પેપરનું આરએનઆઈ નંબર મેળવ્યા બાદ આવા વીકલીના સંચાલકો વીકલી કે મન્થલી અખબારની કોપી છાપતા ન હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. આવા અખબારોના સંચાલકો વીકલીની કોપી પ્રિન્ટ કરતા પણ નથી અને માત્ર આરએનઆઈમાં રજિસ્ટ્રેશન હોવાથી વીકલીનું નામ વટાવી પત્રકાર બનીને ખાસ કરીને દિવાળી ટાણે જાહેરખબરોની ઉઘરાણી કરવા નીકળી પડતાં હોવાના દાખલા જોવા મળી રહ્યા છે. આરએનઆઈ નંબર લીધા પછી પેપર છાપતા નથી પરંતુ દિવાળી અને વાર તહેવારે જાહેરખબર માટે પઠાણી ઉઘરાણી કરવાનું પણ ચૂકતા નથી.

શું કરવું જોઈએ વિજ્ઞાપનદાતાઓએ ?
જાહેરખબર આપનાર વિજ્ઞાપનદાતાઓએ આવા વીકલી કે મન્થલી છાપાના સંચાલકો પાસેથી ઓછામાં ઓછા પ્રિન્ટ થયેલા ચાર અંકો માંગવા જોઈએ. આમ પણ આરએનઆઈ નંબર દર વર્ષે રિન્યુ કરવા માટે પ્રિન્ટેડ તમામ અંકોની નકલ સબમિટ કરવાની હોય છે. જાહેરખબર આપનારા લોકોએ પણ આવા પેપર છાપ્યા વિના વીકલી અખબારના નામે જાહેરખબરની ઉઘરાણી કરતા વીકલીવાળાઓ પાસે પ્રિન્ટ થયેલી ચાર-પાંચ કોપી માંગવી જોઈએ એવી પણ લાગણી અખબારી જગતમાંથી ઉઠી રહી છે.

- Advertisement -

આ આર્ટિકલનો હેતુ એવા લોકો માટે છે જેઓ અખબારની કોપી છાપ્યા વિના દિવાળી કે વાર-તહેવારે જાહેરખબર માટે યેનકેન પ્રયાસો કરીને અખબારી જગતને શર્મસાર કરી રહ્યા છે. જેઓ અખબાર પ્રિન્ટ કરાવે છે તેમના માટે આ આર્ટિકલ નથી. ખરેખર પત્રકારો માટે સર્જાઈ રહેલી તકલીફો અને મુશ્કેલીઓને ઉજાગર કરવાનો આ એક માત્ર નાનકડો પ્રયાસ છે અને અખબારી જગતની શાખ, પ્રતિષ્ઠા અકબંધ રહે તે આ આર્ટિકલનો હેતુ છે. છાપું છાપ્યા વિના જાહેરખબરની પઠાણી ઉઘરાણી કરતા લોકો સામે પણ આ આર્ટિકલનો વિરોધ નથી પરંતુ જેન્યુઈન પત્રકારોને ભોઠા અને નાલેશી થઈ રહી હોવાથી એમના પક્ષને રજૂ કરવાનો આ હેતુ માત્ર છે.

TAGGED:
Share This Article