Tehreek-e-Hurriyat Ban: કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના સંગઠન તહરીક-એ-હુર્રિયત પર પ્રતિબંધ મૂક્યો છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તહરીક-એ-હુર્રિયત પર જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામિક શાસન લાદવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. એવો પણ આરોપ છે કે તે જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવાની યોજના બનાવી રહી હતી. તેના પર અલગતાવાદને પ્રોત્સાહન આપવા, પ્રચાર ફેલાવવાનો, આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાનો અને પ્રતિબંધિત એવા ઘણા કાર્યો કરવાનો આરોપ છે.
તહરીક-એ-હુર્રિયતની સ્થાપના વર્ષ 2004માં સૈયદ અલી શાહ ગિલાની દ્વારા કરવામાં આવી હતી. આ સંગઠન હુર્રિયત કોન્ફરન્સનું સંલગ્ન છે, જે જમ્મુ અને કાશ્મીરમાં 26 સંગઠનોનું જૂથ છે. હુર્રિયત કોન્ફરન્સની રચના 1993માં થઈ હતી. વર્ષ 2005માં હુર્રિયત કોન્ફરન્સ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. હુર્રિયત કોન્ફરન્સમાં સામેલ ઘણા સંગઠનો પાકિસ્તાન તરફી અને અલગતાવાદી હોવાનું માનવામાં આવે છે.
UAPA હેઠળ પ્રતિબંધ
સરકારે તહરીક-એ-હુર્રિયત પર આ પ્રતિબંધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ લગાવ્યો છે. પ્રતિબંધ બાદ તેના સભ્યોને ગુનેગાર જાહેર કરી શકાય છે અને તેમની સંપત્તિ પણ જપ્ત કરી શકાય છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ખાલિસ્તાની સંગઠન, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, એલટીટીઈ અને અલ કાયદા સહિત કુલ 43 સંગઠનોને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યા છે.
અમિત શાહે શું કહ્યું?
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે તહરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH) ને UAPA હેઠળ ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું છે. આ સંગઠન જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. તે જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે ભારત વિરોધી પ્રચાર અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખતો હોવાનું જાણવા મળ્યું છે.