Arjun Modhwadia: દિલ્હીના રવૈયાથી ગુજરાતનાં નેતાઓ અંદરોઅંદર ભભૂકી રહ્યા છે: મુદ્દો એ છે કે ગુજરાત કોંગ્રેસમાં નેતાઓની સ્થિતિ દયનીય બની છે તો કાર્યકરોને કોણ સાંભળે?
ગુજરાતની પ્રાદેશિત ચેનલો પર કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને લઈને ખાસ્સો હોબાળો મચી રહ્યો છે. કોંગ્રેસે આનો ખૂલાસો આપવાની ફરજ પડી છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આમને આમ કોઈ ધૂમાડો થતો નથી. ક્યાંકને ક્યાંક ચંપાચંપી થઈ હોય તો અને તો જ આ ભભૂકાશ બહાર આવી હોવી જોઈએ.અર્જુન મોઢવાડિયાને કર્મબદ્વ કોંગ્રેસી છે. કોંગ્રેસના બૂરા સમયમાં પણ તેઓ કોંગ્રેસ માટે સતત કામ કરતા રહ્યા છે અને રૂઢિચૂસ્ત કોંગ્રેસી હોવાના કારણે તેમના કોંગ્રેસ છોડવા અંગેની કલ્પના પણ કોઈ કરી શકે નહીં પણ સંજોગો અને સંયોગો ઘણું બધું બદલી નાંખે છે અને માણસને ન કરવાનું પણ કરવું પડે છે.
ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો શક્તિસિંહ ગોહીલના પ્રમુખ બન્યા બાદ એવું મનાતું હતું કે શક્તિ બાપુ કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે અને ગુજરાતમાં સાવ જ મરણપથારીએ પહોંચી ગયેલા કોંગ્રેસના સંગઠનને જોમવંતો કરીને દોડતું કરી દેશે. અત્યાર સુધીમાં આ આશા ઠગારી નિવડી હોવાનું કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો માની રહ્યા છે.ગુજરાતનો હવાલો મુકુલ વાસનિક અને તેમની સાથે રજની પાટીલ પાસે છે. આ ઉપરાંત ઝોનવાઈસ કોંગ્રેસે કો-ઓર્ડિનેટરોની પણ નિમણૂંક કરી છે. એટલે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કાગળિયા તૈયારી કરી લીધી છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસ હજુ પણ ક્યાંય દેખાઈ રહી નથી.
કોંગ્રેસ વર્તુળો કહી રહ્યા છે કે દિલ્હીથી જ હવે સીધો દોરીસંચાર થાય છે. કેસી વેણુગોપાલ અને મુકુલ વાસનિક દ્વારા નિર્ણયો લેવામાં આવે છે.કેસી વેણુગોપાલ હાલમાં વ્યસ્તમાં વ્યસ્ત કોંગ્રેસના મહામંત્રી છે. તેમની પાસે સમયનો અભાવ છે. ખૂબ જ બિઝી નેતાની છાપ છે. આવી સ્થિતિમાં ગુજરાત તો શું અન્ય રાજ્યોના નેતાઓ અને કાર્યકરોને પણ મળવાનો તેમની પાસે સમય ન હોય એ માની શકાય છે.
અર્જુન મોઢવાડિયાની વાત કરીએ તો તેઓ નરસિંહરાવનાં કાળથી જ રામ મંદિરના તરફેણકર્તા રહ્યા છે. કોંગ્રેસનો કોઈ નેતા નરસિંહરાવની જન્મ જયંતિ કે પૂણ્યતિથિએ શ્રદ્વાંજલિ સતતને સતત નહીં આપતા હોય પણ મોઢવાડિયા તેમને આપતા રહે છે અને વખતો વખત યાદ પણ કરતાં રહે છે. મોઢવાડિયાની પોરબંદર વિધાનસભામાં હારના કારણોમાં પણ મુસ્લિમોમાં તેમના પ્રત્યેની ભારે નારાજગી હતી જે પાછલી વિધાનસભાની ચૂંટણીમાં દુર કરવામાં આવી અને તેમનો વિજય થયો.
રામ મંદિર અંગે મોઢવાડિયા કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીમાં અળખામણા બનતા રહ્યા છે છતાં પણ તેઓ કોંગ્રેસ માટે સંગઠન સહિતના અન્ય પ્રચારાત્મક કાર્યો કરતા રહ્યા છે. એવું નથી કે કોંગ્રેસમાં રામ મંદિરને સમર્થન આપનારા નેતાઓ કે કાર્યકરો નથી પણ તેઓ જાહેરમાં બોલવાથી દુર રહે છે. પાર્ટી લાઈનના નામે તેમને અટકાવી દેવામાં આવે છે. કોંગ્રેસમાં તો કેટલાક નેતાઓ ભાજપ કરતાં પણ સવાયા હિન્દુત્વવાદી નેતાઓ કે કાર્યકરો છે. આવા હિન્દુવાદી નેતાઓ જ ભાજપ માટે ચૂંટણીમાં મોટી જણસ બની રહે છે.