પાંચ ભાષામાં ૪૦થી વધુ પુસ્તક આપી ચુકેલા લેખક, પત્રકાર, ફિલ્મ- વેબ કન્ટેન્ટ લેખક પ્રફુલ શાહે કચ્છમાં ચાર દાયકા પત્રકારત્વ કરનારા વિપુલ નલીનકાન્ત વૈદ્યને કેન્દ્રમાં રાખીને રહસ્ય અને રોમાંચથી ભરપૂર નવલકથા ‘કચ્છ ફાઇલ- રણ, રહસ્ય ને રોમાંચ’ લખી છે. કચ્છની સૂકી ધરતીમાં બાવળ વચ્ચે ઉગેલા અકલ્પ્ય અપરાધિક થોરની આ રિયલ લાઈફ સ્ટોરી છે. ચાર દાયકાના મુંબઈના પત્રકારત્વના અનુભવી પ્રફુલભાઈએ ગુજરાતી ભાષામાં નવતર પ્રયોગ હાથ ધર્યો છે.
ડૉક્યુ નોવેલ ‘કચ્છ ફાઇલ’માં છે શું?
કચ્છના પીઢ પત્રકાર-માજી તંત્રી તથા કથા-નાયક વિપુલ વૈદ્યના ચાર દાયકાના પત્રકારત્વના ભાથામાંથી કલ્પનાતીત રોમાંચક ઘટનાઓ છે. જેમાં
* રણમાં શસ્ત્રો સાથે પકડાયેલા ઊંટને મુશર્રફનું નામ કેમ અપાયું?
* કચ્છના પહેલા પોલીસ એન્કાઉન્ટરનો મામલો સુપ્રીમ કોર્ટે સુધી કેમ ખેંચાયો?
* હાજી પીરમાં પકડાયેલા પાગલે બહુ પજવ્યા પછી કયું સ્ફોટક રહસ્યોદઘાટન કર્યું?
* કચ્છની પ્રથમ રાજકીય હત્યા શા માટે થઇ?
* ભયંકર ભૂકંપ બાદ માનવતાના છપ્પનિયા દુકાળના કલ્પનાતીત આફ્ટરશૉકમાં શું હતું?
* એક સિક્યોરિટી ઑફિસરે કેવી ગજબનાક રીતે કરી સોનેરી છેતરપિંડી?
‘કચ્છ ફાઇલ’માં અખબારમાં માત્ર સમાચાર બનીને થીજી જતી ઘટનાઓ પાછળની અસલી કથાછે. સાચુકલા પાત્રો અને વાસ્તવિકતા સાથે વધુ એક કૃતિ લાવ્યા છે.
‘કચ્છ ફાઇલ’ વિશે પ્રફુલ શાહ કહે છે, “આપરંપરાગત માળખું ધરાવતી નવલકથા નથી. એમાં ભારોભાર ઘટના તત્વ, સંવેદનશીલતા, રહસ્ય અને રોમાંચ છે. આપણી આસપાસ બનેલી બધી વાસ્તવિક ઘટનાને એક તાંતણે પરોવવા એક રિયલ કિરદાર છે જે સુપર મેન, સિંઘમ કે જાદુગર નથી. આપણા જેવો કોમન મેન છે. કથા-નાયક પત્રકાર છે. એના થકી સમાચારમાં આવીને હાંફી જતી, ભુલાઈ જતી, ખોવાઈ જતી અને અધૂરી રહી ઘટનાઓના અંત સુધી પહોંચવાનો ઉપક્રમ એટલે આ ડૉક્યુ નોવેલ. કથા-નાયક વિપુલ નલીનકાન્ત વૈદ્ય કચ્છનો પત્રકાર છે. ચાર દાયકાની દીર્ઘ કારકિર્દીમાં કચ્છના સૌથી પ્રતિષ્ઠિત અખબાર ‘કચ્છ મિત્ર’ના ચીફ રીપોર્ટરથી લઇને ‘દિવ્ય ભાસ્કર’, ‘ગુજરાત સમાચાર’ અને ‘કચ્છ ઉદય’ના તંત્રી તરીકે જવાબદારી નિભાવી જ નહિ, શોભાવી જાણી. પણ એટલું કહેવું પડે કે વિપુલનો આત્મા કાયમ એક રીપોર્ટરનો રહ્યો એટલે ભાથામાં સ્ટોરી એકથી એક બહેતર અને ચોંકાવનારી છે”.
“કચ્છના પત્રકાર પર જ નવલકથા કેમ?” “એક અને મુખ્ય કારણ એ કે અન્ય પ્રદેશો કરતાં કચ્છનું પત્રકારત્વ સાવ અલગ. દેશના સૌથી મોટો જિલ્લા કચ્છના પત્રકારત્વમાં આતંકવાદ, શસ્ત્રો-ડ્રગ્સની દાણચોરી, ધુસણખોરી, મુખબીરી, ડબલક્રોસ જાસુસી જેવા તત્વો સાથે દુકાળ, ધરતીકંપ, સુનામી અને ક્યારેક પૂર પણ હોય. આની એકએક ઘટનામાં અલગ નવલકથાની સંભાવના છે”.
” નવલકથા’કચ્છ ફાઇલ’નો વિચાર કેવી રીતે આવ્યો?”
“એક અન્ય પ્રોજેક્ટના સંશોધન માટે ૨૦૨૩ના ફેબ્રુઆરીમાં એક અઠવાડિયું કચ્છની મુલાકાતે જવાનું થયું. ભુજ છોડી મુંબઈમાં સ્થાયી થયેલા મિત્ર વિપુલ વૈદ્યને સુગમતા માટે સાથે લીધાં. આમાં રખડપટ્ટી દરમિયાન વિપુલ પાસેથી અત્યંત દિલચસ્પ વાતો સાંભળી. અચાનક વિચાર સ્ફુર્યો કે આમાંથી રસપ્રદ પુસ્તક બની જ શકે. પણ ખૂબ મહેનતનું કામ હતું”.
પણ વિપુલભાઇ તો આશ્ચર્યચકિત થઈ ગયા: મારા પર તે વળી પુસ્તક થાય? પણ પ્રફુલભાઈ એમને ધરાર મનાવીને જ રહ્યા. લાંબુ વિચારીને નક્કી કર્યું કે વિપુલને સમાંતર વધુ નાયકો રહેશે નવલકથામાં: કચ્છ, કચ્છનું પત્રકારત્વ અને કચ્છીયત.
આ પુસ્તક અંગે લેખક કહે છે, ” ખૂબ સંશોધન અને રખડપટ્ટી કરી. બેવાર આઠ-દશ દિવસ કચ્છમાં ભટક્યા. અમુક ઘટના સાથે જોડાયેલા વ્યક્તિઓ આને અધિકારીઓને મળ્યા. ‘કચ્છ ફાઇલ’માં સમાવિષ્ઠ બધી ઘટનાઓ અને માહિતી વિપુલ વૈદ્યના અનુભવ અને સ્મૃતિનું ફળ છે. મારી કપરી જવાબદારી આ સામગ્રીને વાંચનક્ષમ, રસપ્રદ અને નાટ્યાત્મકતા સાથે રજૂ કરવાની હતી”.
વિપુલ વૈદ્ય
વિપુલ વૈદ્ય કહે છે, ” છાપાની દુનિયામાં ૩૯ વર્ષ કામ કર્યું પણ આ ‘કચ્છ ફાઈલ’ પુસ્તકરૂપે પ્રફુલભાઈએ જે ભેટ આપી એની તો શું મેં કલ્પના પણ નહોતી કરી. એક લાઈનમાં હોવાને કારણે વાત વાતમાંથી વાતો જામી અને પ્રફુલભાઈના ફળદ્રપ ભેજામાં ‘કચ્છ ફાઈલ’નું અંકુર ફૂટ્યું. ન માત્ર મને પણ કચ્છના લોકોને તો ઠીક પત્રકારોને પણ અત્યાર સુધી ખબર નથી એવી ધણી રસપ્રદ, ચોંકાવનારી, થરથરાવનારી, આંખ ભીંજવનારી કે આનંદ સાથે આશ્ચર્ય આપનારી બીનાઓ એમની જહેમતને લીધે સામે આવી. આ પુસ્તક માત્ર ભૂતકાળની સત્યઘટનાઓ વાગોળવાની વાત નથી. અત્યાર સૉધી અપ્રગટ રહેલાં અમુક તથ્યો સામે આવ્યા છે. પ્રફુલ્લભાઈની કસાયેલી- સનવડેલી કલમે લખાયેલી આ કહાનીઓ વાચકને મજા કરાવી દે એવી છે”.
વિપુલભાઈ માને છે, ” ગુજરાતી સાહિત્યમાં આ કદાચ પ્રથમ જ પ્રયોગ છે. અહીં ન્યુઝ પાછળની જબ્બરજસ્ત સ્ટોરીઓ છે. પત્રકારના જીવનની ઝલક છે, કચ્છ છે, કચ્છન વિશિષ્ટ પત્રકારત્વ છે. પ્રફુલ્લ શાહ અવારનવાર કહે કે એમ મુંબઈ, દિલ્હીની જેમ એના પત્રકારત્વ પણ અલગ છે. દેશના સૌથી મોટા, ત્રણ-ત્રણ સરહદથી જોડાયેલા જિલ્લા
કચ્છના પત્રકારત્વની તો વાત જ અલગ છે જે પ્રફુલ શાહે બખૂબી ઉજાગર કર્યું છે”.
કચ્છના સન્માનિય પીઢ પત્રકાર અને માજી તંત્રી કીર્તિ ખત્રીએ ‘કચ્છ ફાઈલ’ રૂપે કચ્છના પત્રકારત્વમ પર આધારિત ડૉક્યુ નોવેલ મળવાનને હૃદયપૂર્વક આવકારતા કહ્યું, ” છેલ્લા ત્રણ-ચાર દાયકા દરસમયાન બનેલી જુદી જુદી સત્ય ઘટનાઓનું શંશોધનાત્મક પૃથ્થકરણ કરીને વિપુલ વૈદ્યે પત્રકારની હેસિયતથી જે લખ્યું છે, તેને સાંકળીને લેખક પ્રફુલ શાહે સળંગ નવલકથામાં ઢાળીને કમાલ કરી છે. જે તે સમયનું કચ્છ, એની સંસ્કૃતિ, સમાજ જીવન, માનવસેવા કે ગુનાખોરી સહિતનાં વિવિધ પાસાં ઉપસી આવે છે. આ પ્રકારે કચ્છનું દસ્તાવેજીકરણ પ્રથમવાર પ્રગટ થયુઊ છે. હું જે ન કરી શક્યો તે વિપુલભાઈ સાથે મળીને પ્રફુલ શાહે કર્યું છે તે બદલ અભિનંદન આપવાની સાથે સાથે સૌ વાચકો તેને વધાવી લે એવી શુભેચ્છા”.
વધુ માહિતી માટે સંપર્ક:
પ્રફુલ શાહ-098696 00200
વિપુલ વૈદ્ય-099099 44055