ચાલી રહેલી અટકળો પર ધારાસભ્ય શૈલેષ પરમારે શું કહ્યું?
પાછલી ત્રણ વિધાનસભાની ચૂંટણીઓથી અમદાવાદની દાણી લીમડા વિધાનસભા કોંગ્રેસનો ગઢ બની ગઈ છે. 2012, 2017 અને 2022માં કોંગ્રેસે આ સીટને જાળવી રાખવામાં સફળતા મેળવી છે. પરંતુ વખતો વખત દાણીલીમડાના ધારાસભ્યને અનેક પ્રકારની અટકળો ચાલતી રહે છે અને મીડિયામાં તરેહ તરેહની વાતો પબ્લીશ થતી રહે છે.
2022ની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે સૂપડાસાફ કરનારી બની હતી.એવું મનાતું હતું કે દાણીલીમડામાં ચતુષ્કોણીય જંગમાં શૈલેષ પરમાર માટે મોટી મુશ્કેલીઓ સર્જાશે પરંતુ તમામ અટકળો અને ગણતરીઓને ખોટી પાડી શૈલેષ પરમારે દાણીલીમડા સીટ પર વિજયની હેટ્રીક નોંધાવી. 2022માં શૈલેષ પરમારની સામે ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી અને ઔવેસીની પાર્ટીના ઉમેદવારો મેદાનમાં હતા. જીતનું માર્જિન ચોક્કસપણે ઘટ્યું પણ ચૂંટણીમાં તો જો જીતા વહી સિકંદર હોય છે.
આમ તો 2012માં મોદી રાજમાં પણ કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમાર દાણીલીમડાને ટકાવી ગયા હતા. જ્યારે 2017માં તેઓ પાર્ટીની પસંદ પર ખરા ઉતર્યા હતા.2012માં શૈલેષ પરમાર ભાજપના ઉમેદવાર ગિરીશ પરમારની સામે 14,301 વોટથી વિજયી થયા હતા. 2017માં .ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર વાઘેલા સામે 32,510 થી જીત્યા હતા. જ્યારે 2022માં ભાજપના નરેશ વ્યાસ(મળેલા વોટ-55,643),આમ આદમી પાર્ટીના દિનેશ કાપડીયા(મળેલા વોટ-23,251) અને ઔવેસીની પાર્ટીના કૌશિકા પરમાર(મળેલા વોટ-2,470)ની સામેનાં ચતુષ્કોણીય જંગમાં કોંગ્રેસના ઉમેદવાર શૈલષ પરમાર 69,130 વોટ મેળવીને 13,487 વોટથી વિજેતા બન્યા હતા.
જીત્યા બાદ પણ આપ અને ઔવેસીની પાર્ટીને મળેલા વોટમાં કેટલાક કોંગ્રેસી નેતાઓ અને કોર્પોરેટરો પર કોંગ્રેસ વિરોધી કામ કરવાનો આરોપ પણ લાગ્યો હતો. કોંગ્રેસી કોર્પોરેટરોએ ખૂલ્લેઆમ આપ અને ઔવેસી માટે કામ કર્યું હોવાની રજૂઆત કોંગ્રેસ મોવડી મંડળને ખુદ શૈલેષ પરમારે પણ કરી હતી. શૈલેષ પરમારે ‘સત્ય ડે’ સાથે વાત કરતાં જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક લોકો હરાવવા નીકળ્યા હતા અને આ અંગે કોંગ્રેસની શિસ્ત સમિતિને રજૂઆત પણ કરવામાં આવી હતી. હાલમાં હું પાર્ટીથી કોઈ પણ રીતે નારાજ નથી. જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે તેમની સામે યોગ્ય સમયે પાર્ટી નિર્ણય કરશે એવો મને આશાવાદ જ નહીં પણ ખાતરી છે. પક્ષ સાથે નારાજગીની કોઈ વાત નથી.