Gujarat: ભાજપની યાદી બહાર આવ્યા બાદ તમામ રાજકીય પક્ષોમાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે ભાજપે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ત્યારે કોંગ્રેસના મહાસચિવ અને દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાત નજીક દમણ-દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ દાવો દમણ-દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલે કર્યો છે.
સ્થાનિક નેતાએ કર્યો દાવો
કોંગ્રેસે ઉમેદવારોના નામ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, જ્યારે ઉત્તર પ્રદેશના રાયબરેલીથી હંમેશા લોકસભાના સાંસદ રહેલા સોનિયા ગાંધી હવે રાજ્યસભામાંથી સાંસદ બન્યા છે. પરંતુ હવે દમણ-દીવ કોંગ્રેસના સ્થાનિક નેતા દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રિયંકા ગાંધી દમણ-દીવ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલે જણાવ્યું હતું કે હાઈકમાન્ડના આદેશ મુજબ દમણ દીવ બેઠકનો ડેટા અને સર્વે હાઈકમાન્ડને સોંપવામાં આવશે. તેમજ કેતન પટેલનો દાવો છે કે પ્રિયંકા ગાંધી દમણ દીવમાંથી ચૂંટણી લડશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકોને ફાયદો થશે.
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને ટૂંક સમયમાં પ્રથમ યાદી જાહેર કરી શકે છે. ભાજપે લાલુ પટેલને ટિકિટ આપી
ઉલ્લેખનીય છે કે ભાજપે દમણ-દીવ બેઠક પરથી નામ જાહેર કરી દીધું છે, ભાજપે આ બેઠક પરથી લાલુ પટેલને ટિકિટ આપી છે. લાલુ પટેલના નામની જાહેરાત થતા જ સમર્થકોમાં ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો. આ જાહેરાત બાદ સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. પરિવાર અને સમર્થકો લાલુ પટેલને શુભેચ્છા પાઠવી રહ્યા છે.