Gujarat: ગુજરાતમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે. એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં ફરી રહી છે ત્યારે આધારપાત્ર સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે કોંગ્રેસે ત્રણ ઉમેદવારોને લોકસભા ચૂંટણીની તૈયારી કરવાનું કહી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.
લોકસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં ત્રણ લોકોને ફોન કરીને જાણ કરી હોવાની માહિતી સામે આવી છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને જાણ કરી દેવાઇ છે,તો વલસાડ બેઠક પરથી ધારાસભ્ય અનંત પટેલને પણ જાણ કરી દેવાઈ છે. આ સાથે અમદાવાદ બેઠક પરથી ભરત મકવાણા કોંગ્રેસની પહેલી પસંદ છે. કોંગ્રેસ દ્વારા પહેલી યાદીમાં ગુજરાતની સીટોની જાહેરાત સંભાવના લગભગ નહિંવત જેવી છે. ત્યારે કોંગ્રેસ સૂત્રો આ ત્રણ બેઠકો પર ઉમેદવારોને લઈ ચર્ચા કરી રહ્યા છે.
બનાસકાંઠામાં તો ગેનીબેન ઠાકોરે પ્રચારના શ્રીગણેશ પણ કરી દીધા છે. જો કે ઔપચારિક જાહેરાત હજુ બાકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બનાસકાંઠા અને પાટણ બેઠક પરથી કોંગ્રેસ ઠાકોર ઉમેદવાર ઉતારી શકે છે. 2022ની વિધાનસભામાં કોંગ્રેસે સાબરકાંઠા અને પાટણમાં ઠાકોર ઉમેદવાર ઉતાર્યા હતા. આ વખતે પાટણ બેઠક પર ચંદનજી ઠાકોરની પસંદગીની શક્યતા છે. તો બારડોલી માટે કોંગ્રેસ તુષાર ચૌધરીને પણ મેદાનમાં ઉતારી શકે છે. પરંતુ અહીંય પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીનું નામ ખાસ્સું એવું ચર્ચામાં છે.