સુરત સહિત સમગ્ર રાજ્યમાં આંગડીયા પેઢીઓનો કારભાર પથરાયેલો છે. ખાસ કરીને સુરતમાંથી આંગડીયા દ્વારા રૂપિયાની ડિલીવરી કરવામાં આવે છે. નોટબંધી અને જીએસટી બાદ આંગડીયાના વેપાર પર ફટકો પડ્યો છે.
સુરતમાં આંગડીયા પેઢીની રૂપિયા ભરેલી કાર અનેક વખત લૂંટાઈ છે. જેને પગલે સુરત પોલીસે રાતની ટ્રેનમાં રૂપિયાની ડિલીવરી કરતી કારને ખાસ રીતે પોલીસ સુરક્ષા આપેલી છે અને પાયલોટીંગ કરતી પોલીસ વાન તૈનાત રાખી છે.
પણ બે દિવસ પહેલા એવી ઘટના ઘટી કે સુરતના મહિધરપુર પોલીસ મથકના તાબે આવતી આંગડીયા પેઢીની કારોને પોલીસ પાયલોટીંગ જોવા મળ્યું નહી. મહિધરપુર પોલીસ મથકના પીઆઈ રોહલ પટેલ રાત્રી પેટ્રોલીંગમાં હતા અને અને તેમણે આંગડીયા પેઢીની કાર પાયલોટીંગ વાન વિના રેલવે સ્ટેશન તરફ જઈ રહી હોવાનું નોંધતા તેમણે જાતે કારોનું પેટ્રોલીંગ શરૂ કરી દીધું હતું. આંગડીયાની કારોની પાછળ રાબેતા મુજબ પેટ્રોલીંગ કરતી પોલીસવાન નહીં દેખાતા પીઆઈ રોહન પટેલનો પિત્તો ગયો હતો.
રેલવે સ્ટેશન પહોંચતાં જ તેમણે આંગડીયા પેઢીના કર્મચારીઓને પાયલોટીંગ કાર અંગે પુછપરછ કરી હતી. આટલી વારમાં પાયલોટીંગ કાર રેલવે સ્ટેશને આવી પહોંચી હતી. મોડેથી પાયલોટીંગ વાન આવતા પીઆઈ રોહન પટેલે વાનમાં બેઠેલા તમામ પોલીસ કોન્સટેબલો સહિત ડ્રાઈવરને જાહેરમાં ધબડાવી નાંખ્યા હતા. એક પોલીસવાળો ઊંઘતી હાલતમાં ઝડપાયો હતો. સ્થળ પર જ તમામ પોલીસવાળાને મેમો અને તેમની સામે તપાસના આદેશ કર્યા હતા.
આંગડીયા પેઢીની કારના પાયલોટીંગમાં બેદરકારી ઉપરાંત ફરજમાં ચૂક કરવામાં આવી હતી. પીઆઈ રોહન પટેલે પોલીસવાળાઓને ખુલાસો પૂછ્યો તો તેઓ યોગ્યો જવાબ આપી શક્યા ન હતા. સદનસીબે પીઆઈએ નાઈટ પેટ્રોલીંગ દરમિયાન આંગડીયાની કારને પાયલોટીંગ પુરું પાડ્યું. આંગડીયાની કારોની લૂંટાઈ જવાની ઘટનાઓ અંગે પોલીસવાળાને બરાબરને ધબડાવી પાઆઈ રોહન પટેલે ફરજપરસ્તીના પાઠ શીખવ્યા હતા. સારી વાત એ છે કે પોલીસ પાયલોટીંગ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. બાકી સુરતમા આંગડીયા પેઢીની કારો વખતોવખત લૂંટાતી રહી હોવાના બનાવ બન્યા છે.