ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શ્રેણીની પાંચમી અને છેલ્લી વન ડે ગુરુવારે 1 નવેમ્બરના રોજ કેરળના તિરુવનંતપુરમમાં રમાશે. ભારત હાલ સીરિઝમાં 2-1થી આગળ છે અને તેની કોશિશ અંતિમ વન ડે જીતીને શ્રેણી જીતવાની રહેશે.
ભારતને પ્રથમ અને ચોથી વન ડેમાં એક તરફી જીત મળી તો બીજી વન ડે માંવટાઈ પડી હતી. જ્યારે ત્રીજી વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝે બાઝી મારી હતી. હવે પાંચમો અને અંતિમ મુકાબલો રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે અને ક્રિકેટ પ્રેમીઓ પણ મેચ જોવા આતુર છે.
સીરિઝની અંતિમ મેચ માટે અત્યાર સુધીમાં ત્રણ કરોડ રૂપિયાથી વધારેની ટિકિટ વેચાઈ ગઈ છે. કેરલા ક્રિકેટ સંઘના અધિકારીઓના જણાવ્યા મુજબ, 45000ની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં ગુરુવારે થનારા મુકાબલા માટે આશરે 30,000 ટિકિટ વેચાઈ ગઈ છે. સ્ટુડન્ટ્સને 50 ટકા કન્સેસન પર ટિકિટ આપવામાં આવી રહી છે.