કેવડિયા ખાતે બનાવવામાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સમગ્ર વિશ્વમાં ઉંચી મુર્તિ હોવાનો રેકોર્ડ તોડ્યો છે. પરંતું સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળમાં જે પ્રકારનો વહીવટ થઈ રહ્યો છે તેની સામે સ્થાનીક ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે બપોરના સમયે આસપાસના છ ગામના આદિવાસીઓ રોજગારીની માંગણી સાથે પરિસરમાં ઘુસ્યા હતા અને સરકાર વિરોદઈ સુત્રોચ્ચાર કર્યો હતો.
સુત્રોચ્ચારના નારા સાથે તેમણે જણાવ્યું હતું કે જ્યારે અમારી જમીન સરકારે લીધી ત્યારે તેમણે રોજગારી આપવાના વાયદા કર્યા હતા. અમને પણ સરકાર પર ભરોસો હતો, કે રોજગારી મળતી હોય તો અમને જમીન આપવામાં કોઈ વાંધો નથી. પરંતું જ્યારે આ સ્ટેચ્યુને ખુલ્લુ મુકવામાં આવ્યું ત્યારે અમને ખબર પડી કે ભાજપના સદસ્યોને જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોન્ટ્રક્ટ આપવામાં આવ્યો છે અને તેમના દ્વારા જ તેમના માણસોને બહારથી બોલાવીને ગોઠવી દેવામાં આવ્યા છે. તેમણે સરકાર સામે ચીમકી ઉચ્ચારી હતી અને કહ્યું હતું કે જો અમને આ સ્થળે રોજગારી આપવામાં નહી આવે તો ગમે તે પ્રકારે અમે આ સ્થળને બંધ કરી દેશું.