Surat: સુરત લોકસભાની સીટ ભાજપને તાસકમાં ધરી દેનારા કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ અને ઉમેદવાર તરીકે ફોર્મ કેન્સલ થનારા ઉમેદવાર અને ગાયબ થઈ ગયેલા એવા નિલેશ કુંભાણી ફરી સામે આવ્યા છે. નિલેશ કુંભાણીએ કોંગ્રેસના નેતાઓ પર જ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે અને કોંગ્રેસ સાથે કોણે ગદ્દારી કરી તેવો પ્રશ્ન હવે ચર્ચાઈ રહ્યો છે. જોકે, ભાજપમાં જોડાવાના મામલે તેમણે મગનું નામ મરી પાડ્યું ન હતું.
નિલેશ કુંભાણીએ વીડિયો દ્વારા કહ્યું છે કે મેં કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નથી. 2017માં કોંગ્રેસમાં જોડાયો હતો.
કોંગ્રેસને નુકશાન ન થાય તેના માટે પ્રયત્નશીલ હતો.2017માં ભાજપમાંથી આવેલાને ટિકિટ આપી દેવામાં આવી હતી. રુપિયાથી આપી દેવાતા ટિકિટ આપી દેવામાં આવી હતી. જે તે સમંયે જે પ્રમુખ હતા તેમને રજૂઆત કરી હતી. 29 હજાર માણસો સાથે ફોર્મ ભરવા ગયો અને મને કહેવાયું કે તમે ફોર્મ ભરતા નહીં અને પાછા આવો ત્યારે શું એ વખતે મારી સાથે ગદ્દારી કરવામાં આવી ન હતી?
તેમણે કહ્યું કે ગદ્દારી મેં નથી કરી. કોઈ માઈનો લાલ પેદા નથી થયો મને મારી શકે.
કોંગ્રેસના સુરતના પાંચ નેતાઓના કારણે મેં આ પગલું ભર્યું છે. મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. હું અનેં મારા ટેકેદારો એક સાથે છીએ. પાંચ જણા વિરોધ કરવાવાળા છે. મારી સભામાં કોઈ દિવસ આવ્યા ન હતા. આપમાં ગયેલા લોકો ગદ્દારી ગદ્દારી કરીને મારો વિરોધ કરે છે. કોંગ્રેસવાળા ગદ્દારી કરવાનું કહે છે પણ ખરેખર કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. મારી ટિકિટ કાપીને કોંગ્રેસે ગદ્દારી કરી છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસનો 2017માં મારી સાથે બદલો લીધો એટલે મેં આ પરિવાર સાથે બદલો લીધો છે.
મારા ટેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું. હું પિટિશન કરવા હાઇકોર્ટમાં ગયો હતો પણ કોંગ્રેસે મારા ઘરે વિરોધ કર્યો એટલે હું ગાયબ થયો હતો. અત્યારે હું કોંગ્રેસ સાથે નથી
વધુમાં તેમણે કહ્યુંકે હવે રાજકારણમાં રહેવું કે ન રહેવું તે બાબતે મારા હિતેચ્છુઓ સાથે ચર્ચા કરીને નિર્ણય કરીશ.મારા ટેકેદારોનું અપહરણ થયું ન હતું. 2017માં કોંગ્રેસ મારી સાથે ગદ્દારી કરી એટલે મારા ટેકેદારો અને હિતેચ્છુઓએ બદલો લીધો.