Surat : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાતીથૈયામાં વોટર માફિયાઓનું રાજ ચાલી રહ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. ગેરકાયદે પાણીના વેપલામાં મોટા માથાઓની સંડોવણી બહાર આવી રહી છે. બોરવેલ બનાવીને ફેક્ટરીઓને ગેરકાયદે રીતે પાણી પુરું પાડવાનો આખો ખેલ ચાલી રહ્યો છે. બિનઅધિકૃત પાણીનાં ગોરખધંધામાં મોટા મગરમચ્છો દિવસે દિવસે વિસ્તારમાં વધુને વધુ બોરવેલ કરી પાણી ઉલેચી રાતોરાત અંદરગ્રાઉન્ડ પાઇપલાઇન કરી રહ્યા છે. તો બીજી તરફ સિંચાઇ વિભાગના અધિકારીઓ પણ શકાસ્પદ ભૂમિકામાં જણાય રહ્યા છે.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામે બિનઅધિકૃત રીતે બોરવેલમાંથી પાણી ઉલેચી અંડરગ્રાઉન્ડ પાઇપ લાઇન કરી આ પાણી તાતીથૈયા જીઆઈડીસીની 40 થી વધુ ડાઇંગ પ્રિંટિંગ મિલોમાં પહોંચાડવામાં આવતું હોવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણમા અગાઉ પણ વિવાદ થતાં સિંચાઇ વિભાગે ત્રણથી ચાર જગ્યાએ પાઇપ લાઇન ખોદી નાંખી હતી પરંતુ વોટર માફિયાઓ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.
અગાઉ જ્યારે વિવાદ વકર્યો હતો ત્યારે માંડ ચારથી પાંચ જગ્યાએ પાઇપલાઇનને બંધ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ આ ધંધો બંધ થવાની જગ્યાએ વધુ વકર્યો છે ત્યારપછી વધુ બોરવેલ કરવામાં આવ્યા છે અને અલગ અલગ જગ્યાએ પાઇપલાઇનનો જાળ બિછાવવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વોટર માફિયોમાં આ વિસ્તારનાં મોટા માથાઓની સંડોવણી છે. આ વોટર માફિયાઓ દ્વારા નહેર અને હાઇવેની નીચેથી ગેરકાયેદે બોરવેલ બનાવી પાઇપલાઇન કરવામાં આવે છે. જ્યારે આ બાબતે સરકારી તંત્ર જાણતું હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યું છે. હાલમાં સિંચાઇ વિભાગની બગુમરાથી નીકળતી ઉધના 0 થી 14 ડિસ્ટ્રીબ્યુટર આરડીમાં નહેર નીચે ક્રોસિંગ કરવામાં આવ્યું છે. અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા સમગ્ર નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે.
તાતીથૈયાના ઔદ્યોગિક એકમો ખાનગી જગ્યાઓમા બોરવેલ કરી ગેરકાયદે પાણી પહોંચાડવાનો વેપલાને અટકાવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. ઔદ્યોગિક એકમોમાં પાણીની અછતના પગલે આ માફિયાઓ આડેધડ ખાનગી માલીકીની જમીનમાં બોરવેલ કરી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ગોઠવી વેપલો ચલાવી રહ્યા છે.
થોડા સમય અગાઉ એક ખાનગી એન.જી.ઓએ આ હકીકત અંગે મામલતદાર અને સિંચાઇ વિભાગને ફરિયાદ કરી હોવા છતાં સમગ્ર પ્રકરણમાં વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં અંદાજિત 40 થી વધુ જગ્યાએ આ પ્રકારના બોરવેલ કરી તેમાંથી બિનઅધિકૃત રીતે પાણીનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. વિસ્તારમાં મનોહર નામનો પાણી માફિયો કેટલાક સ્થાનિક આગેવાનો સાથે ભેગા મળીને આ સમગ્ર નેટવર્ક ચલાવી રહ્યો છે. જેને લઈ ભૂગર્ભમાં પાણીના જળસ્તર નીચા ઉતરી રહ્યા છે.
40 જેટલી જગ્યાઓ ઉપર રાતદિવસ બિન અધિકૃત રીતે પાણી ઉલેચી વિવિધ જગ્યાએ સપ્લાય કરવામાં આવે છે. છતાં સિંચાઇ વિભાગના અધિકારીઓ પણ આ બાબતે મૌન સેવી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં મોટું જળ સંકટ ઊભું થાય તો નવાઈ નહીં.