પાટીદાર અનામતની માંગ સાથે હાર્દિક પટેલે અમદાવાદમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. હાર્દિકના શક્તિ પ્રદર્શન દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ પર તે વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને આવેદનપત્ર સુપરત કરવાની માંગ સાથે ધરણા પર બેઠેલા હાર્દિક અને તેની ટીમ પર અચાનક પોલીસે દંડાવાળી શરૂ કરી દીધી હતી. પોલીસનું કહેવું હતું કે પરવાનગી આપવામાં આવી નથી અને આંદોલનકારીઓની માંગ હતી કે માત્ર મુખ્યમંત્રી આવીને આવેદનપત્ર સ્વીકારે.
પરંતુ મામલો બિચકી ગયો અને પોલીસે દંડાવાળી કરી હતી. દંડાવાળી થવાના કારણે સમગ્ર ગુજરાતમાં પાટીદારો વિફર્યા અને પોલીસ સાથેના ધર્ષણમાં 14-14 જેટલા પાટીદાર યુવાનોના ગોળી મારી પ્રાણ હણી લેવામાં આવ્યા હતા.
આજે જીએમડીસી ગ્રાઉન્ડના હીયરીંગમાં હાર્દિક પટેલે અમદાવાદની કોર્ટમાં હાજરી આપી ત્યારે હાર્દિક પટેલે કોર્ટની બહાર મીડિયાને કહ્યું કે અસત્ય સામે સત્યની લડાઈ છે.હું અઢારમો વ્યક્તિ છું જે સરકાર સામે અવાજ ઉઠાવી રહી છે. જીએમડીસી પર સરકારે પોલીસ તંત્રનો દુરુપયોગ કર્યો હતો અને યુવાનો પર લાઠીચાર્જ કર્યો હતો.
હાર્દિકે કહ્યું કે જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલો દમન જલીયાવાલા બાગ જેવો હતો. આ કેસમાં સ્ટેજ પર ઉભેલા લોકોએ કોર્ટમાં જૂબાની આપી છે, મારો નંબર 18મો છે.
હાર્દિકે કહ્યું કે સરકારે પાટીદાર યુવાનો પર ખોટા કેસ કર્યા છે. 14 યુવાનોએ પોતાની આહૂતિ આપી છે અને આજે પણ અલ્પેશ કથીરીયા જેવા યુવાનો જેલમાં બંધ છે.
અત્રે નોંધનીય છે કે જીએમડીસી ગ્રાઉન્ડ પર હાર્દિક સહિતના પાટીદાર યુવાનો પર દંડાવાળી કરનારા પોલીસ અધિકારીઓમાં એક પટેલ અને એક મુસ્લિમ અધિકારીનું નામ હરહંમેશ બહાર આવતું રહ્યું છે. હવે મેટર કોર્ટમાં ચાલી રહી છે ત્યારે ફરી આ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે,