Gujarat: સમગ્ર ગુજરાતમાં ગરમનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ગરમી સંદર્ભે રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે તડકામાં ઉભા રહેતી પોલીસ માટે ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (કાયદો-વ્યવસ્થા) ડો.શમશેરસિંહે કેટલાક જરુરી નિર્દેશો જારી કર્યા છે.
પોલીસ મહાનિર્દેશક(કાયદો-વ્યવસ્થા) ડો.શમશેરસિંહે જણાવ્યું છે કે હાલમાં રાજ્યમાં વધુ પડતી ગરમીના અનુસંધાને હવામાન વિભાગ દ્વારા મોટાભાગના શહેરો-જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગરમીના એલર્ટનાં અનુસંધાને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ-કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરીકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આગમચેતી પગલાં-સૂચનાઓ ધ્યાને લેવાનું જણાવવામાં આવ્યું છે.
શું શું કરવાનું રહે છે?
(1) પોલીસ પેટ્રોલીંગ દરમિયાન જરૂરી પાણી, છાશ તથા ORSની વ્યવસ્થા રાખવી.
(2) રેડ-ઓરેન્જ એલર્ટ દરમિયાન ટ્રાફિક કે અન્ય કામગીરી માટે પોલીસ કર્મચારીઓને બને ત્યાં સુધી વધુ સમય તડકામાં ઉભા ન રહવું તેમજ છત્રીનો ઉપયોગ કરવો.
(3) રેડ-ઓરેન્જ એલર્ટ દરમિયાન પોલીસ કર્મચારીઓને સ્પોર્ટસ કેપનો ઉપયોગ કરવા મંજૂરી આપવી.
(4) રેડ-ઓરેન્જ એલર્ટ દરમિયાન મેડીકલ તકલીફ ધરાવતાં પોલીસ કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલ વલણ રાખી ફરજ સોંપવી તેમજ ખાસ તકેદારી રાખવા જણાવવું.
(5) રેડ-ઓરેન્જ એલર્ટ દરમિયાન ફરજ બજાવતા પોલીસ અધિકારી-કર્મચારીઓ સિનિયર સીટીઝન, રાહદારીઓ હેરાન ન થાય તે માટે જરૂરી સૂચના આપવી તેમજ તેઓને જરૂરીયાત મુજબ તાત્કાલિક મદદ કરવી.
(6) રેડ-ઓરેન્જ એલર્ટ દરમિયાન પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરીને આમ નાગરીકોને જરૂરી ન જણાય તો બિન જરૂરી બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા સારૂ જરૂરી સમજ આપવી.