દિલ્હીની અદાલતે 1984 ના શીખ વિરોધી રમખાણોમાં બે માણસોની હત્યા માટે યશપાલ સિંહને ફાંસીની સજા અને નરેશ શેરાવતને આજીવન કેદની સજા સંભળાવી હતી. વધારાના સેશન્સ જજ અજય પાંડેએ તિહાર જેલમાં જઈને સજા સંભળાવી હતી. સુરક્ષાના કારણોસર દોષીઓ પર હુમલાના ભયને લઈ અદાલતે જેલમાં જઈને સજાનું એલાન કર્યું હતું.
ચુકાદો આપતા પાંડેએ જણાવ્યું હતું કે તહોમતદારોએ શીખ સમુદાયના લોકોની હત્યા કરવાનો ઈરાદો રાખ્યો હતો. ઉશ્કેરણીજનક સુત્રો પોકાર્યા હતા. યશપાલ વિરુદ્વ બે શીખ યુવાનોની હત્યાનો આરોપ હતો. ગયા સપ્તાહે અદાલતે યશપાલ અને શેરાવતને હત્યા, હત્યાની કોશીસ, લૂંટ અને ઘાતક શસ્ત્રો રાખવાના આરોપસર દોષિત ઠેરવ્યા હતા.
શેરાવત અને યશપાલ સિંહ પર તત્કાલિન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પછી થયેલા રમખાણો દરમિયાન દક્ષિણ દિલ્હીના મહીપલપુર વિસ્તારમાં હરદેવ સિંહ અને અવતાર સિંહની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
મરનારના ભાઈ સન્તોક સિંહની ફરિયાદ પર પોલીસે કેસ નોંધ્યો હતો. પરંતુ 1994 માં, પોલીસ પુરાવા અભાવના સંદર્ભમાં કેસ બંધ કરવા માંગતી હતી પરંતુ વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) દ્વારા આ કેસને ફરીથી ખોલવામાં આવ્યો હતો.
ચુકાદાને આવકારતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું, “હવે હું આશા રાખું છું કે બાકીના 8 બાકી કેસ પણ અદાલતો દ્વારા હાથ પર લેવામાં આવશે અને કોઈ વિલંબ વિના નિકાલ કરવામાં આવશે.”
ઈન્દીરા ગાધીની હત્યા બાદ સમગ્ર દેશમાં 2800 શીખોની હત્યા કરવામાં આવી હતી. માત્ર દિલ્હીમાં જ 2100 શીખો માર્યા ગયા હતા. શીખ વિરોધી રમખાણોમાં કોંગ્રેસ નેતા રાજેશ પાયલોટને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.