વાહનોમાં હાઇ-સિક્યુરિટી નંબર પ્લેટ માટે હવે તમારે આર.ટી.ઓ કે પછી નજીકના સેન્ટરનમાં ધક્કા નહીં ખાવા પડે. આ માટે તંત્રએ એક મહત્વનો નિર્ણય લીધો છે. તંત્રના આ નિર્ણયથી નંબર પ્લેટ ફીટ કરાવવા માંગતો લોકોને રાહત થશે.
RTO કચેરીના ધક્કા ખાઓ છો, તો રાહતના સમાચાર જરૂર છે પણ તેમાં કેટલીક કાર્યવાહી કરવાની આવશ્યક બની રહે છે. હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ(HSRP) લગાવવા માટે RTO દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્ર અનુસાર વાહન માલિકોને થોડી રાહત આપવામાં આવી છે.
HSRP નંબર પ્લેટ માટે RTO કચેરી સુધી લાંબા થવાની જરૂર રહેશે નહીં. RTO દ્વારા કેમ્પ કરી એપાર્ટમેન્ટ કે સોસાયટી કે વસાહતોમાં નંબર પ્લેટ લગાવવા માટે કેમ્પ યોજવાનું પરિપત્ર ગુજરાત સરકારે બહાર પાડ્યું છે. સોસાયટી- એપાર્ટમેન્ટ ઉપરાંત RTO દ્વારા જાહેર સ્થળો પર પણ કેમ્પ કરી નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે.
આરટીઓના કર્મચારીઓ સોસાયટીમાં આવે તે માટે સોસાયટીની મંડળીએ પ્રક્રિયા કરવી પડશે. આ માટે સોસાયટીના સેક્રેટરીએ લેટર આરટીઓને આપવો પડશે. જે બાદમાં આરટીઓ તરફથી તારીખ આપવામાં આવશે અને સોસાયટીના વાહનોની જૂની નંબર પ્લેટ બદલીને નવી લગાવી આપવામાં આવશે.
હાલમાં RTO કચેરીઓ પર HSRP નંબર પ્લેટ માટે ભારે ગીર્દી જામે છે, તેમજ કેટલાક કેસમાં લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ફોર વ્હીલ અને ટૂ-વ્હીલ વ્હીકલમાં HSRP નંબર પ્લેટ લાગવવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાતમાં HSRP નંબર પ્લેટ લગાવવા માટે સરકાર દ્વારા મુદ્દત પર મુદ્દત આપવામાં આવી રહી છે પરંતુ ઓછા સ્ટાફ અને વાહનોની જંગી સંખ્યાને પહોંચી વળવામાં તકલીફ ઉભી થઈ રહી હોવાથી સરકારે પરિપત્ર મારફત સવલત ઉભી કરવાનો પ્રયાસ કરી જોયો છે.
પરિપત્ર અનુસાર RTO કચેરી પર વાહન માલિકોનો ખડકલો ન થાય તથા સમય બચે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સરકારે જાહેર કરેલી પરિપત્ર પ્રમાણે સરકારી વસાહતો, સોસાયટીઓ કે એપાર્ટમેન્ટમ્સ કે પછી જાહેર સ્થળો પર યોજવામાં આવનાર કેમ્પમાં નવી નંબર પ્લેટ લગાવવા માટે આર.ટી.ઓ. તરફથી નક્કી કરેલો ચાર્જ જ વસૂલ કરી શકાશે. હવે લોકોને આનો લાભ કેટલો પહોંચે છે તે જોવાનું રહે છે.