જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સત્તા પર પાછા ફરવાના પ્રયત્નોને નિષ્ફળ બનાવવાના પ્રયાસમાં પીડીપી, કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોન્ફરન્સ લોકપ્રિય સરકાર રચવા માટે માહગઠબંધ ભણી આગળ વધી રહ્યા હોવાના સંકેત મળી રહ્યા છે. ત્રણેય પક્ષો આ સપ્તાહે સત્તાવાર રીતે ભેગા થાય તેવી રાજકીય હિલચાલ કરવામાં આવી રહી છે. બની શકે છે ત્રણેય પક્ષો રાજ્યપાલને મળી સરકાર રચવાનો દાવો પણ કરી શકે છે અને ભાજપના સત્તા હાંસલ કરવાના મનસુબાને નિષ્ફળ બનાવી શકે છે.
હાલ જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. 19મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ શાસનની મુદ્દત પુરી થઈ રહી છે અને 6 મહિનાની મુદ્દત બાદ રાષ્ટ્રપતિ શાસનની મુદ્દત વધારી શકાતી નથી. 87 ધારાસભ્યો ધરાવતી વિધાનસભાને વિસર્જિત કરવામાં આવી નથી. કારણ કે હજુ પણ કોઈ એક પક્ષે સરકાર રચવાનો ઈન્કાર કર્યો નથી.
પીડીપી અને ભાજપે ગઠબંધન કરી સરકારની રચના કરી હતી પરંતુ સમગ્ર દેશમાં ભાજપની ભારે ટીકા થતાં 16મી જૂને ભાજપે મહેબુબા મુફતીને આપેલો ટેકો પાછો ખેંછી લીધો હતો અને સરકાર પડી ભાંગી હતી. સજ્જાદ લોનને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શકયતા જોવા મળી રહી છે. પીપલ્સ કોન્ફરન્સ પાસે માત્ર બે ધારાસભ્યો છે. ભાજપ પાસે 25 ધારાસભ્યો છે. પીડીપીના વરિષ્ઠ નેતા મુઝફ્ફર હુસૈનના કહેવા અનુસાર સજ્જાદ લોનના નામ અંગે ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. સજ્જાદ લોનની પાર્ટીને પીડીપી-એનસી અને કોંગ્રેસ ટેકો આપશે તો બહુમતી માટેનો 44નો આંકડો પાર થઈ શકે છે.
આ ઉપરાંત અન્ય એક સમીકરણમાં કોંગ્રેસ અને પીડીપી ગઠબંધનની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ અને પીડીપીએ 2002થી 2007 સુધી ગઠબંધનની સરકાર ચલાવી હતી. પીડીપી પાસે 28 ધારાસભ્ય છે અને કોંગ્રેસ પાસે 12 પરંતુ બહુમતિ માટે બીજા ધારાસભ્યોની જરૂર પડે એમ છે તો નેશનલ કોન્ફરન્સને સાથે લેવી પડે એમ છે. નેશનલ કોન્ફરન્સ પાસે 15 ધારાસભ્ય છે. બહુમતી માટે 44ના ફિગરને આંબવા ત્રણેયે સાથે આવવું પડે એમ છે.