કિંગ ચાર્લ્સના ભાઈ એન્ડ્ર્યુ હવે પ્રિન્સ નહીં: પદવી છીનવાઈ અને મહેલ પણ ગુમાવ્યો
યૌન શોષણ કેસમાં નામ સામે આવ્યા બાદ કિંગ ચાર્લ્સ તૃતીયે પોતાના નાના ભાઈ પ્રિન્સ એન્ડ્ર્યુ પાસેથી શાહી પદવીઓ અને રોયલ લોજ (Royal Lodge) છીનવી લીધું છે. વર્જિનિયા ગિયુફ્રે (Virginia Giuffre)ના આરોપો અને અમેરિકન અબજોપતિ જેફ્રી એપસ્ટીન સાથેની તેમની મિત્રતાને કારણે બ્રિટનના રાજપરિવારની પ્રતિષ્ઠા પર સવાલ ઉઠ્યા હતા. રાજશાહીની મર્યાદા જાળવી રાખવા માટે કિંગ ચાર્લ્સે આ કડક નિર્ણય લીધો છે.
પ્રિન્સ પદવી અને મહેલ બંને ગુમાવ્યા
ડ્યુક ઓફ યોર્ક પ્રિન્સ એન્ડ્ર્યુ હવે બ્રિટનના રાજકુમાર નહીં કહેવાય. કિંગ ચાર્લ્સ તૃતીયે તેમને ‘પ્રિન્સ’ની પદવી પરથી હટાવી દીધા છે અને તેમને વિન્ડસરનો શાહી નિવાસ ‘રોયલ લોજ’ તુરંત છોડવા માટે કહેવામાં આવ્યું છે.

એન્ડ્ર્યુ પર આરોપ છે કે તેમણે કિશોર વયની વર્જિનિયા ગિયુફ્રેનું યૌન શોષણ કર્યું હતું. ગિયુફ્રેની આત્મહત્યા (છ મહિના પહેલા) પછી તેમની આત્મકથા ‘નોબડીઝ ગર્લ’માં એન્ડ્ર્યુ વિરુદ્ધ યૌન શોષણનો સ્પષ્ટ ઉલ્લેખ છે. એવું પણ કહેવાય છે કે ૨૦૨૨ માં તેમણે ગિયુફ્રે સાથે કરોડો ડોલરની ડીલ કરીને આ મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
હવે ૬૫ વર્ષના એન્ડ્ર્યુ આગળથી એન્ડ્ર્યુ માઉન્ટબેટન વિન્ડસરના નામથી ઓળખાશે. જોકે, તેમની બંને દીકરીઓ શાહી મહેલમાં જ રહેશે અને તેમની પદવીઓ યથાવત રહેશે.
રોયલ લોજ પરત લેવાયું
રોયલ લોજમાં ૩૦ ઓરડાઓ છે. ૨૦૦૨ માં ક્વીન મધરના નિધન પછી એન્ડ્ર્યુએ આ શાહી નિવાસ ૭૫ વર્ષની લીઝ પર લીધું હતું અને ૨૦૦૩ માં અહીં રહેવા આવ્યા હતા, પરંતુ હવે ૨૦૨૫ માં તેમને આ આવાસ ખાલી કરવું પડી રહ્યું છે.
કિંગ ચાર્લ્સનું સ્વાસ્થ્ય બરાબર ન હોવા છતાં, એન્ડ્ર્યુ પર લાગેલા ગંભીર આરોપોથી બ્રિટનની જનતાને આઘાત લાગ્યો હતો. તેથી, શાહી પરિવારની પ્રતિષ્ઠા અને મર્યાદા જાળવવા કિંગે તાત્કાલિક આ નિર્ણય લીધો. બ્રિટનના શાહી પરિવારની આ વિશેષતા સદીઓ જૂની છે કે તેઓ જનતા વચ્ચે પોતાના વર્તનથી મર્યાદા સ્થાપિત કરે.
આત્મહત્યા અને પુસ્તકે મામલો ગરમ કર્યો
વર્જિનિયા ગિયુફ્રેના ગંભીર આરોપો અને તેની આત્મકથાએ દેશમાં હોબાળો મચાવ્યો. ગિયુફ્રેએ લખ્યું હતું કે તેને ‘ઇસ્તેમાલ’ કરવામાં આવી હતી અને જુદા જુદા લોકો સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવી હતી.

એન્ડ્ર્યુએ ભલે દાવો કર્યો હોય કે તેમના પર ખોટો આરોપ લાગ્યો છે અને તેઓ પોતાને નિર્દોષ સાબિત કરવા પ્રયાસ કરશે, પરંતુ જનતા સંતુષ્ટ નથી. બકિંગહામ પેલેસના આ નિર્ણયથી લોકોમાં રાહત થઈ છે, છતાં રાજપરિવાર પર આ એક એવું કલંક છે, જેનાથી આખો દેશ સ્તબ્ધ છે. કિંગ ચાર્લ્સે વડાપ્રધાન અને સરકારની સલાહ લીધા બાદ આ કડક પગલું ભર્યું છે.
શા માટે બ્રિટિશ જનતા રાજશાહીને ટકાવી રાખવા માંગે છે?
વરિષ્ઠ પત્રકાર વિજય રાણાના મતે, બ્રિટનનો રાજપરિવાર અન્ય દેશોના રાજાઓની જેમ પછાત રહ્યો નથી. બ્રિટનના રાજાઓએ સુધારા કાર્યક્રમો શરૂ કર્યા, જેમ કે મતાધિકારનો વિસ્તાર કરવો. રાણી વિક્ટોરિયાથી લઈને ક્વીન એલિઝાબેથ સુધી, તેઓ દેશ પર બોજ બન્યા નથી, જેના કારણે બ્રિટનની રાજશાહી આજે પણ સન્માનિત છે અને લોકો આ વિરાસતને જાળવી રાખવા માંગે છે.
