Modi government 3.0: આવતીકાલે નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લઈ રહ્યા છે. એવું મનાય છે કે આવતીકાલે કેટલાક મંત્રીઓ સાથે તેઓ શપથ લેશે. આ વખતે દેશભરમાં ભાજપની બેઠકો ઘટી છે, તેથી સાથી પક્ષો પણ જોડાયા છે. એનડીએ તકનો લાભ ઉઠાવીને દબાણની રાજનીતિ કરી રહ્યું છે અને અપેક્ષા મુજબના મંત્રાલય મેળવવા માટે તલપાપડ છે, જેની સીધી અસર મોદી કેબિનેટમાં ગુજરાતમાંથી આવેલા મંત્રીઓની સંખ્યા પર પડી શકે છે.
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી ભાજપે 25 બેઠકો જીતી છે. મોદીના બીજા કાર્યકાળમાં ગુજરાતમાંથી કુલ 7 મંત્રીઓ હતા. આ સંખ્યા 4 થી ઘટાડીને 5 કરી શકાય છે. એટલું જ નહીં, સંગઠન ક્ષેત્રે અમિત શાહને સક્રિય કરીને ભાજપને ફરીથી મજબૂત બનાવવા માટે કોઈ સાહસિક નિર્ણય લઈ શકાય તેવી પણ ચર્ચા શરૂ થઈ છે.જોકે હાલમાં તો અમિત શાહ ફરી એક વાર ગૃહમંત્રી બનશે તેવી ચર્ચા ચાલી રહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી પણ એકાદ મંત્રી બનશે એ શક્યતા પણ નકારી શકાતી નથી.
ભાજપના વિશ્વસનીય સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મમાં ગુજરાતમાંથી 4 થી 5 નેતાઓ મંત્રી બની શકે છે. આ સાથે ગુજરાતમાંથી રાજ્યકક્ષાના મંત્રી તરીકે નવા આદિવાસી ચહેરાનો પણ નવી સરકારમાં સમાવેશ થાય તો નવાઈ નહીં.
વિદેશનીતિમાં સૌથી અનુભવી અને વિશ્વાસુ માણસની યાદીમાં એસ. જયશંકરનું નામ મોખરે છે. એસ. જયશંકર હાલમાં ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે, એટલે પૂરેપૂરી સંભાવના છે કે ગઠબંધનના સાથીપક્ષના કોઈ નેતાને વિદેશમંત્રી બનાવવાને બદલે એસ. જયશંકરને જ બીજી વખત વિદેશમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવે.
મનસુખ માંડવિયાનું નામ એવા નેતાઓની યાદીમાં આવે છે, જેઓ મોદી સરકારના બન્ને કાર્યકાળમાં મંત્રી રહ્યા હોય. કોરોનાકાળ બાદ જ્યારે આરોગ્યની સ્થિતિ પર સવાલ ઊઠ્યા ત્યારે નવા કેન્દ્રીય આરોગ્યમંત્રી તરીકે મોદીએ મનસુખ માંડવિયા પર ભરોસો કર્યો અને માંડવિયાએ પોતે પણ આ જવાબદારી નિભાવવામાં પાછીપાની કરી નથી. બની શકે કે વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળમાં મનસુખ માંડવિયાનું મંત્રાલય બદલાય, પણ કેબિનેટમાં તો સ્થાન રહેવાની ખૂબ વધારે સંભાવના છે.
વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળમાં દર્શના જરદોશ અને મહેન્દ્ર મુંજપરા મંત્રી હતાં, પરંતુ આ બે નેતાઓની સીધી બાદબાકી થઈ ચૂકી છે, કારણ કે દર્શના જરદોશ અને મહેન્દ્ર મુંજપરાને 2024ની લોકસભા ચૂંટણીમાં ટિકિટ જ નહોતી આપવામાં આવી.
પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ થયેલા ક્ષત્રિય આંદોલનથી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયે માહોલ ગરમાઈ ચૂક્યો હતો. રસપ્રદ વાત એ છે કે રાજકોટમાં રૂપાલા ન માત્ર જીત્યા, પરંતુ 2019 કરતાં 1,15,853 મતની વધુ લીડ લઈ આવ્યા. એટલે મત મેળવવામાં તો રૂપાલાને ક્ષત્રિય આંદોલન ન નડ્યું. રૂપાલા મોદીના અગાઉના બન્ને કાર્યકાળમાં મંત્રી હતા. રુપાલાને ફરીથી મંત્રી પદે રિપીટ કરવામાં આવે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે.
ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહણ સળંગ ત્રીજી વખત જીત્યા છે. તેઓ ગત ટર્મમાં મોદી કેબિનેટમાં સંચાર રાજ્યમંત્રી હતા, પરંતુ તેમની પણ બાદબાકી થઈ શકે છે. એવું થતું આવ્યું છે કે જે નેતાઓ સળંગ ત્રણ કે તેથી વધુ વખત લોકસભાની ચૂંટણી જીત્યા હોય તેમને મંત્રીમંડળમાં સ્થાન મળે છે. જો આવી ફોર્મ્યુલા આ વખતે પણ લાગુ થાય તો પૂનમ માડમ, વિનોદ ચાવડા જેવા નેતાઓને પણ મંત્રી બનવાની તક મળી શકે છે.
ગુજરાતમાંથી એક આદિવાસી નેતાને રાજ્યકક્ષાના મંત્રી બનાવી શકે છે. એમાં નવો ચહેરો જોવા મળે તો નવાઈ નહીં. ગુજરાતમાં આદિવાસી ચહેરામાંથી સતત સાતમી વખત ચૂંટાયેલા મનસુખ વસાવા અને જશવંતસિંહ ભાભોર અગાઉ મંત્રી રહી ચૂક્યા છે, એટલે તેમને તક મળી શકે એમ માનવામાં આવતું નથી, પરંતુ નવા આદિવાસી ચહેરા તરીકે છોટાઉદેપુર બેઠકના જશુ રાઠવાને કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યકક્ષાનો હવાલો આપી શકે એવી સંભાવના છે.