ઝુબીન ગર્ગના મૃત્યુ કેસમાં રહસ્ય ઘેરું: પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ‘હત્યા’નો દાવો, CMએ અમિત શાહ સાથે કરી મુલાકાત
પ્રખ્યાત ગાયિકા ઝુબીન ગર્ગના મૃત્યુના કેસમાં હવે મોટો વળાંક આવ્યો છે. આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ ફરી દાવો કર્યો છે કે આ મૃત્યુ અકસ્માત નહીં, પણ હત્યાનું પરિણામ હતું. આ દાવા બાદ, રાજ્યભરમાં ન્યાયની માંગ તીવ્ર બની છે. મુખ્યમંત્રીએ સોમવારે સ્પષ્ટપણે કહ્યું કે ઝુબીન ગર્ગના મૃત્યુને હવે અકસ્માત કહી શકાય નહીં. તેમણે કહ્યું કે કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને 8 ડિસેમ્બર સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. સીએમ હિમંતા બિસ્વા શર્માએ કહ્યું, “અમે ચાર્જશીટ દાખલ કરવા તૈયાર છીએ… આ હત્યાનો કેસ છે.”

મૃત્યુ સિંગાપોરમાં થયું હોવાથી, ચાર્જશીટ દાખલ કરવા માટે ગૃહ મંત્રાલય (MHA) ની પરવાનગી જરૂરી છે. આ મામલે રવિવારે સીએમ શર્માએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આગામી 3-4 દિવસમાં પરવાનગી આપવામાં આવશે અને 7-9 ડિસેમ્બરની વચ્ચે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટે શંકાને મજબૂત કરી
1 નવેમ્બરના રોજ, સિંગાપોરથી અંતિમ પોસ્ટમોર્ટમ અને ટોક્સિકોલોજી રિપોર્ટ આસામ સરકારને મોકલવામાં આવ્યા હતા. સીએમ શર્માએ જણાવ્યું હતું કે આ રિપોર્ટ્સમાં ઘણા મહત્વપૂર્ણ તથ્યો બહાર આવ્યા છે જે સત્યને ઉજાગર કરશે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “લોકો ઝુબીન ગર્ગ માટે ન્યાય ઇચ્છે છે, અને અમે ખાતરી કરીશું કે તેને 100% ન્યાય મળે.” તેમણે સંકેત આપ્યો કે SIT રિપોર્ટમાં ઘણા અજાણ્યા અને ચોંકાવનારા ખુલાસા હશે જેનાથી રાજ્યના લોકો ટૂંક સમયમાં વાકેફ થશે.
