- મોદી આવાસ યોજનામાં કરોડોના કૌભાંડ થયા
PM Awas: કેન્દ્ર સરકારે વર્ષ 2015માં શરૂ થયેલી યોજનાના 9 વર્ષ થયા છે. 9 વર્ષમાં ગુજરાતમાં શહેર અને ગામડાંઓમાં 15 લાખ મકાનો બનાવવા સરકારે રૂ.1 લાખથી 3 લાખ સુધીની આર્થિક સહાય કરી છે. જે લગભગ 19 હજાર કરોડ હોવાનું અનુમાન છે. મે 2023 સુધીમાં 9.54 લાખ ઘરને સહાય મંજૂર કરી હતી. કેન્દ્ર સરકારે 9 વર્ષમાં 10 લાખ મકાનો મંજૂર કર્યા છે, જેમાં 7.50 લાખ ઘરનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
9 વર્ષમાં કેટલા મકાનોને રૂ.1 લાખથી 3 લાખ સુધીની મદદ કરી તેની વિગતો ગુજરાત સરકારે જાહેર કરી નથી. દેશમાં 3 કરોડ નવા મકાનો બનાવવાનું 2024થી નવી સરકારે નક્કી કર્યું છે. જેમાંથી ગુજરાતમાં 2 લાખ મકાનો બને એવી ધારણા છે.
88 હજાર મકાનો પડી રહ્યાં
ગુજરાત સરકાર પોતાની સિદ્ધિ વર્ણવે છે પણ ઘણી વિગતો છુપાવી રહી છે. જેમાં કેન્દ્ર સરકારને ગુજરાત સરકારે જે શહેરી પ્રોજેક્ટ આપેલા તેમાં જૂન 2024 સુધીના 9 વર્ષમાં કુલ 1785 યોજનાઓ મંજૂર કરી હતી. જેમાં 10 લાખ 5 હજાર 204 મકાનો મંજૂર કર્યા હતા.
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારે જેમાંથી 9 લાખ 82 હજાર 675 મકાનો બનાવવાનું હતું. પણ તેમાંથી 9 લાખ 17 હજાર 170 મકાનો જ પુરા કરીને લોકોને આપી દીધા છે. એટલે કે 88 હજાર મકાનો હજુ કામ ચાલી રહ્યો છે અથવા અધુરા થયા છે.
આખા દેશમાં 31 હજાર પ્રોજેક્ટમાં 1 કરોડ 19 લાખ મકાનો મંજૂર કર્યા છે. જેમાં ગુજરાતના માત્ર 1785 પ્રોજેકટમાં 10 લાખ મકાનો છે.
કેન્દ્ર સરકારે આપેલા નાણાં
2015થી જૂન 2024 સુધીમાં 10 લાખ શહેરી મકાનો પાછળ 1 લાખ 5 હજાર કરોડનું રોકાણ થયું છે. જેમાં કેન્દ્ર સરકારે 9 વર્ષમાં રૂ. 21 હજાર કરોડ ગુજરાતને આપવાના થાય છે અને આપ્યા છે રૂ. 19 હજાર 800 કરોડ.
વિવાદો
ગુજરાતમાં 2,17,590 મકાનોનો વિવાદ છે. જ્યારે 275 પ્રોજેકટમાં કોઈકને કોઈક વિવાદો હોવાનું કેન્દ્રના એક અહેવાલમાં જણાવાયું હતું.
ગુજરાતમાં 4270 મકાનો માટે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. વહીવટી મંજૂરીના કારણે 22118 મકાનો અટવાયા હતા. ટેન્ડર અંગે 8185 મકાનોનું કામ અટવાયું હતું. મંજૂરી માટે 1180 મકાનો અટવાઈ ગયા છે. કાયદાકીય અવરોધના કારણે 1180 મકાનોનું કામ અટવાયેલું હતું. એવી નોંધ AHP Projects માટે કેન્દ્ર સરકારના એક અહેવાલમાં મૂકવામાં આવી છે. ISSR Projectsમાં ટેન્ડર અટવાતાં 9399 મકાનો બનાવવામાં અડચણ હતી. બિલ્ડર સાથે વિવાદ થતાં 1650 મકાનો અટવાયા હતા. એક પ્રોજેક્ટ રદ કરી દેવાના કાણે 950 મકાનનું કામ અટવાયું હતું. જમીનના વિવાદના કારણે 4776 મકાનોનું કામ અટવાયું હતું. વહીવટી મંજૂરીના કારણે પ્રોજેકટના 62 મકાનોનો વિવાદ હતો.
1 લાખ 65 હજાર મકાનોમાં આધાર અને અન્ય વિગતોમાં ખામી જણાય હતી.
બાકી જીઓ-ટેગિંગ ન હોય એવા 157 પ્રોજેક્ટ હતા.
રેરા મંજૂરી બાકી હોય એવા 100 પ્રોજેક્ટ ગુજરાતમાં હતા.
PFMS ના EAT મોડ્યુલમાં 18 અમલીકરણ એજન્સીઓની નોંધણી બાકી હતી.
EAT/PFMS દ્વારા કોન્ટ્રાક્ટરો/એજન્સીને ચુકવણી કરતા નથી એવા પ્રોજેક્ટ પણ ગુજરાતમાં હતા.
વચન ફોક
ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે નરેન્દ્ર મોદીએ 2012માં ચૂંટણી સમયે ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે તે ગુજરાતમાં 50 લાખ મકાનો બનાવશે. ગુજરાતમાં તો એટલા મકાનો ન બની શક્યા.
નરેન્દ્ર મોદીએ દેશને વચન આપ્યું હતું કે 2022 સુધીમાં તમામને પાકા મકાનો મળશે. તે વચન ગુજરાતમાં 2024 સુધીમાં પણ પૂરું થયું નથી. આ વચનનો પુરો અમલ વિજય રૂપાણી મુખ્ય પ્રધાન હતા ત્યાં સુધીમાં પૂરું થઈ જવું જોઈતું બતું. પણ ભૂપેન્દ્ર પટેલના સમયમાં કુલ 12 લાખ ઘરને સહાય સરકારે કરી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ સપ્ટેમ્બર 2021માં મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી શહેરોમાં કુલ 8.52 લાખ ઘર બનાવાયા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો લેવા માટે માપદંડ નક્કી કર્યા છે તે પ્રમાણે પરિવારની વાર્ષિક આવક રૂ. 18 લાખથી ઓછી હોવી જોઈએ. પરિવારોની આવક પ્રમાણે EWS, LIG અને MIG શ્રેણી નક્કી કરાઈ છે.
PMAY યોજના જેમની પાસે મિલકત નથી તેઓ નવી મિલકત ખરીદવા અથવા નિર્માણ માટે બેંક લોન લીધી હોય તેમાં વ્યાજ સબસીડી અથવા સહાય આપે છે. મિલકત મહિલાના નામે હોવી જોઈએ. કોઈને મફત મકાનો અપાતા નથી.
સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે રૂ.1,20,000 તથા ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા રૂ.1,30,000ની નાણાકીય સહાય આપે છે.
જૂન 2015માં અંદાજિત માંગ મુજબ 7.64 લાખ ઘરની હતી. તેની સામે 8.55 લાખ ઘર બનાવવાનું કામ પૂરું થયું છે.
2024-25માં શહેરોમાં 1 લાખ ઘર બનાવવાના છે. તે માટે રૂ. 1066 કરોડ જોગવાઈ કરી છે. દરેક ઘર દીઠ સરેરાશ રૂ. 1 લાખની સહાય આપવામાં આવશે.
2024-25 માટે શહેરોમાં 65 હજાર ઘરનું બાંધકામ પૂર્ણ કરવાનું છે. રૂ. 1326.93 કરોડ આપવામાં આવશે. જેમાં રૂ. 2 લાખ આપવામાં આવશે.
ક્રેડિટ લિંક સબસીડીમાં 6.13 લાખ લાભાર્થીઓને લોન પર વ્યાજ સહાય અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે.
2020માં એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પ્લેક્સ યોજના શહેરી ગરીબો અને કામદારો માટે બનાવી છે.
મે 2023 સુધીમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 11.56 લાખ ઘરનું બાંધકામ થયું હતું.
જેમાં શહેરોમાં 7.50 લાખ ઘર બન્યા હતા.
ગામડાંમાં 4.06 લાખ ઘરને બનાવવા 1થી 3 લાખ આપ્યા હતા.
2016માં ગામડાંઓમાં ઘરની આર્થિક સહાય અમલમાં મૂકવામાં આવી હતી.
અંદાજિત માંગ 7.64 લાખ ઘરની હતી. મે 2023 સુધીમાં 9.54 લાખ ઘરને સહાય મંજૂર કરી હતી. જેમાં 7.50 લાખ ઘરનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
2022-23માં રૂ. 1066 કરોડની મદદ સાથે શહેરો માટે 1 લાખ ઘરને સહાય આપવાની હતી.
ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 4877.72 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. 2022-23 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 1,84,605 આવાસો બાંધવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે અંતર્ગત લાભાર્થીઓને રૂ.2215.26 કરોડની સહાય ચૂકવવાની હતી.
જુન 2023માં વડોદરામાં ટીપી 3 ભાયલી બિલ ખાતે હાઈરાઈઝ અને લો રાઈઝ મકાનો દુકાનો બનાવવા બાબતે નિયત અંદાજીત ભાવ કરતાં 61.67 ટકા વધુ ભાવનું ટેન્ડર આવેલું હતું. નિયત મૂળ ભાવથી કુલ 41% વધુ જેવા ભાવ પત્રકને મંજૂરી અર્થે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયું હતું. તેથી વિવાદો થયા હતા.
અગાઉ વડોદરા મહાનગર પાલિકા દ્વારા 2152 મકાનોનો ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં ભાજપના જ એક કોર્પોરેટરના ઇશારે યાદી બદલી નાખવામાં આવી હતી જેનો મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
વડોદરામાં રાજીવ આવાસ યોજના (RAY)ના , BSUP, અને મુખ્યમંત્રી ગૃહ યોજના (MGY) હઠળ કોન્ટ્રકટર એમવી ઓમની (MV omni Pvt.Ltd) દ્વારા કરેલા કામોમાં મોટું કૌભાંડ અને ભ્રષ્ટાચાર થયો જેમાં RAY માં રૂ.235 કરોડ અને BSUPની આવાસોમાં રૂ.249 કરોડ અને MGY માં રૂ.155.76ના કામો મળીને કૂલ રૂ. 639.76 કરોડના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હતો.
આહવામાં આવાસ યોજનામાં ઘરની કામગીરીની યોગ્ય ચકાસણી વિના નાણાં ચૂકવી દેવાતા વિવાદ થયા હતા. સરકારી મકાનનો પાયો પણ ન ખોદાયો હતો. મકાન ન હોવા છતાં બે હપ્તા ચૂકવી દેવાયા હતા.
ડાંગ જિલ્લામાં NGO પાસે આવાસ યોજનાનું કામ હતું.આ મામલે પોલીસે NGOની એક મહિલા ભાવેશ્રી દાવડા ની ધરપકડ કરી.ધરપકડ થતા જ ડાંગના કલેક્ટર પણ ભ્રષ્ટાચારમાં સંડોવાયા હોવાનો આક્ષેપ ભાવેશ્રી દાવડા એ કર્યો હતો.
ગુજરાતના 8 મહાનગર અને 25 શહેરો મળીને કુલ 50 હજારથી વધારે મકાનો એવા છે કે જે ગમે ત્યારે તૂટી પડે તેમ છે. ગ્રામ્ય વિસ્તારો સાથે તો 1 લાખ મકાન ખરાબ છે. જેને કોઈ સહાય મળતી નથી.
જમીન છે – અમદાવાદમાં 102 પ્લોટમાં આર્થિક રીતે નબળા વર્ગો માટે મકાનો બનાવી શકાય તેમ હતા. પણ માંડ 8 યોજના જ 2012 પછી બનાવી શકાઈ છે. 2012ની ચૂંટણીમાં ગુજરાત ભાજપે પ્રજાને વચન આપ્યું હતું કે તે પાંચ વર્ષમાં 50 લાખ મકાનો બનાવીને આપશે. પણ 23 ઓગસ્ટ 2018 સુધી 5 લાખ મકાનો પણ બની શક્યા નથી.
ઝૂંપડા તોડ્યા, મકાનો ન બન્યા
1 જૂન 2018માં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના 21 ઝુંપડ પટ્ટી તથા પશ્ચિમ વિસ્તારના 14 ઝૂંપડપટ્ટીને પસંદ કરી ડી નોટિફાઈડ કર્યા હતા. મકાનો બનાવવા માટે રૂ.1 હજાર કરોડના ઠેકાઓ બહાર પાડવાના હતા. 6 લાખ ચોરસ મીટરની જગ્યાની આ 35 ઝુંપડ પટ્ટી તોડી 10 હજાર કુટુંબોને પાકુ ઘર આપવાના હતા. તેની સામે ગુજરાતમાં 2023માં 25 હજાર ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવીને તોડી પડાયા હતા.
ગુજરાતના શહેરી વિકાસ વિભાગે ઈ.સ.2010માં ઝૂંપડપટ્ટી પુનઃવસવાટ અને પુનઃવસન નીતિ બનાવી હતી. જેમાં ઝુંપડામાં રહેતા 7 લાખ લોકોને પાકું મકાન બનાવી આપવાની જાહેરાત કરી હતી. વળી 2012ની ચૂંટણીમાં ”ઝૂંપડું ત્યાં પાકું ઘર અને ઘરનું ઘર”નું ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું. જે પુરું તો ન કર્યું પણ રાજ્યભરમાં ગરીબોને ધંધાથી દૂર કરી દેવાની ઝુંબેશ શરૂ કરી છે. ગરીબોને રસ્તા પર ધંધો કરતા અટકાવીને તેમને ખસેડવામાં આવી રહ્યા છે.
પાલનપુરમાં 33 કરોડનું મકાન કૌભાંડ થયું હતું.