Union Budget 2024: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈ 2024ના રોજ મોદી 3.0 કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ બજેટમાં સરકાર આપણા દેશના ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કેન્દ્ર સરકાર PM કિસાન સન્માન નિધિ માટે બજેટમાં ફાળવણી 30% વધારીને 80,000 કરોડ રૂપિયા કરી શકે છે. તમને જણાવી દઈએ કે સરકારે વચગાળાના બજેટમાં આ યોજના માટે 60,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી.
અત્યાર સુધી સરકાર દ્વારા દરેક ખેડૂતને વાર્ષિક 6,000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવે છે. જૂનના છેલ્લા સપ્તાહમાં યોજાયેલી પૂર્વ-બજેટ પરામર્શ બેઠકો દરમિયાન કૃષિ પ્રતિનિધિઓએ નાણા પ્રધાન નિર્મલા સીતારમણને માંગણી કર્યા પછી આ રકમ વધીને ખેડૂત દીઠ રૂ. 8,000 થવાની સંભાવના છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તેના પ્રથમ કાર્યકાળના છેલ્લા મહિનામાં તેની શરૂઆત કરી હતી.
PM એ 24 ફેબ્રુઆરી 2019 ના રોજ તેને લોન્ચ કર્યું. ત્યારથી, આ યોજના દ્વારા કરોડો ખેડૂતોના ખાતામાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
વચગાળાના બજેટમાં સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે કૃષિ મંત્રાલયના બજેટમાં વધારો કર્યો હતો. કેન્દ્ર સરકારે 1.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું હતું. જે ગત નાણાકીય વર્ષ કરતાં વધુ છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કિસાન યુનિયનના બદ્રી નારાયણ ચૌધરીએ કહ્યું કે અમે નાણા મંત્રી નિર્મલા સીતારમણને પીએમ કિસાન હેઠળ ફાળવણી 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરવા વિનંતી કરી છે. હાલમાં આ રકમ દેશના ખેડૂતોને ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સંપૂર્ણ બજેટ યુવાનો, મહિલાઓ, ગ્રામીણ વિસ્તારો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે.