સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ કથિત એન્કાઉન્ટર કેસ મામલે આજે સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટે શુક્રવારે તમામ 22 આરોપીઓને દોષ મુક્ત જારી કર્યા છે. આપને જણાવી દઈએ કે, વર્ષ-2005થી આ તમામ ઉક્ત કેસનો સામનો કરી રહ્યા હતા, જેમાં મોટા ભાગના પોલીસ કર્મચારીઓ હતા. મહારાષ્ટ્ર ની એક સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટ આ મામલે સુનાવણી કરી રહી હતી. આ કેસમાં વિશેષ નજર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપર હતી, કારણ કે તેઓ પણ આરોપી તરીકે શામેલ હતા. જો કે તેમને 2014માં જ આરોપો માંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે અમદાવાદમાં 2005માં રાજસ્થાનના ગૅંગ્સ્ટર સોહરાબુદ્દીન શેખનું રાજસ્થાન અને ગુજરાત પોલીસે જૉઈન્ટ ઑપરેશનમાં ઍન્કાઉન્ટર કર્યુ હતું. 2006માં આ કેસ આગળ વધ્યો અને સોહરાબુદ્દીન શેખના સાગરીત તુલસી પ્રજાપતિનું પણ ઍન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યું.આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો તે પહેલાં ગુજરાત સીઆઈડી ક્રાઇમ અને 2010માં સીબીઆઈ આ કેસમાં સામેલ થઈ હતી.આ કેસમાં ગુજરાત ભાજપના તત્કાલીન ગૃહરાજયમંત્રી અમિત શાહ અને રાજસ્થાનના પૂર્વ ગૃહરાજયમંત્રી ગુલાબચંદ કટારીયા પણ આરોપી બન્યા હતા.
2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બની અને આખી ઘટનામાં નાટકીય વળાંક આવ્યો. સુપ્રીમ કોર્ટના આદેશથી આ કેસ સાંભળી રહેલી મુંબઈ સીબીઆઈ કોર્ટે અમિત શાહ સહિત આ કેસ સાથે સંકળાયેલા સિનિયર પોલીસ ઑફિસર્સ અને રાજનેતાઓ ટ્રાયલ પહેલાં ડિસચાર્જ કરી દિધા હતા. મુંબઈ કોર્ટ દ્વારા ટ્રાયલ પહેલાં છોડવામાં આવેલા 16માં નેતાઓ, બૅન્કરો, ઉદ્યોગપતિ અને આઈપીએસ અધિકારીઓ હતા. હવે માત્ર પોલીસ ઇન્સપેકટર, સબઇન્સપેકટર અને કૉન્સટેબલોને જ આ કેસનો સામનો કરવાનો રહ્યો હતો. આ કેસમાં સીબીઆઈએ 2010માં દાખલ થઈ પછી કેસમાં રાજકીય નેતાઓનાં નામ આરોપી તરીકે આવવાં લાગ્યાં. આ કેસની તપાસ કરનાર ગુજરાત સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સપેકટર વી. એલ. સોંલકીએ સીબીઆઈમાં આપેલી જુબાની પ્રમાણે ગૃહરાજય મંત્રી અમિત શાહ ઍન્કાઉન્ટરની તપાસ બંધ થઈ જાય તેવું ઇચ્છતા હતા.
સીબીઆઈની તપાસમાં બહાર આવેલાં તથ્યો પ્રમાણે રાજસ્થાનના માર્બલની ખાણના માલિક વિમલ પટનીએ સોહરાબુદ્દીન શેખની હત્યા માટે ગુલાબચંદ કટારીયાનો સંપર્ક કર્યો હતો અને રૂપિયા બે કરોડમાં આ કામ અમિત શાહ પાસે આવ્યું હતું. સોહરાબુદ્દીન શેખની સોપારી મળી હોવાને કારણે ગુજરાત રાજસ્થાન પોલીસે જૉઈન્ટ ઑપરેશન કરી બનાવટી ઍન્કાઉન્ટરના નામે સોહરાબુદ્દીનની હત્યા કરી હતી.
બાદ આ કેસનો મહત્ત્વના સાક્ષી અને સોહરાબના સાથી તુલસી પ્રજાપતિ સીઆઈડીને પોતાનું નિવેદન આપે તે પહેલાં રાજસ્થાન ગુજરાત પોલીસે અંબાજી પાસે ઍન્કાઉન્ટરના નામે તેની પણ હત્યા કરી નાખી હતી. આ કેસમાં જેનો કોઈ જ સંબંધ નહતો તેવાં સોહરાબુદ્દીનનાં પત્ની કૌસરબીની પણ હત્યા કરી નાખવામાં આવી. ગુજરાતના આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારાના વતન ઈલોલ ખાતે તેમને સળગાવી દેવામાં આવ્યાં હતાં.
2014માં કેન્દ્ર સરકાર બદલાઈ અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન થયા પછી ચિત્ર બદલાયું અને અમિત શાહ, ગુલાબચંદ કટારીયા, માર્બલ કિંગ વિમલ પટની, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બૅન્કના ચેરમેન અજય પટેલ, અને ડીરેકટર યશપાલ ચુડાસમાને મુંબઈ કોર્ટે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાના ઓછા પુરાવા છે તેવું કારણ આપી તેમને કેસમાંથી ડિસચાર્જ કરી નાખ્યા હતા.