(નારણ આસલ દ્વારા): ગુજરાતમાં વિજય રૂપાણીની પસંદગી બાદથી ભાજપના નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે, ભાજપના કેટલાક ધારાસભ્યો પણ મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં નારાજ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને, નીતિન પટેલ પણ યોગ્ય ખાતું ન મળતાં નારાજ થયા હતા. પરંતું, આખરે તેમને મનાવી લેવાયા હતા.
તાજેતરમાં જસદણની પેટા ચૂંટણીને હાઇ પ્રોફાઇલ ચૂંટણીની જેમ લડવામાં આવી છે. જ્યાં, કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતા કુવરજી બાવળીયાને કેબિનેટકક્ષાનું પદ આપવામાં આવ્યું છે. જો, જસદણમાં તેમનો વિજય થાય તો કેબિનેટમાં સ્થાન જાળવી રાખશે. પરંતું, જો જસદણમાં તેમનો પરાજય થયો તો મંત્રીપદ ગુમાવવાની નોબક નિશ્ચિત છે.
સચીવાલયના વિશ્ચસનિય સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં મંત્રીમંડળમાં ફેરબદલના ભણકારા નિશ્ચિત છે. જસદણ પેટા ચૂંટણીના પરિણામ બાદ કેટલાક ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તો, કેટલાક મંત્રીઓના ખાતામાં પણ ફેરબદલ કરવામાં આવી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેમની સાથે જસદણના પરિણામ અને નવા પ્રધાનમંડળ વિશે ચર્ચા થઇ શકે છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ કેબિનેટમાં સ્થાન મેળવવા માંગે છે. તો, દક્ષિણ ગુજરાત અને વડોદરાને મંત્રીમંડળમાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતાં ત્યાં પણ કેટલાક સ્થાનિક ધારાસભ્યો નારાજ છે.
આ શિસ્તબદ્ધ ધારાસભ્યોનો અસંતોષ બહાર આવે અને બળવાની સ્થિતિ સર્જાય તો ફરીથી ખજૂરાહો જેવી ઘટનાનું પુનરાવર્તન થઇ શકે છે. સો સીટોની અંદર સમેટાઇ ગયેલી ભાજપ માટે તમામ ધારાસભ્યોને સાચવવા કઠીન છે. ત્યારે, જાતિવાદી અને સિનિયોરિટીના સમિકરણને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળના વિસ્તરણમાં ત્રણથી ચાર નવા ચહેરા સામેલ કરવામાં આવી શકે છે. હાલમાં ડઝનેક ધારાસભ્યો સરકારની કામગીરી અને તેમની અવગણનાથી નારાજ છે.