ગઈ રાત્રે સુરતના પોશ એરિયા પીપલોદની ઓઈસ્ટર હોટલમાંથી 21 બેવડી મહિલાઓને પોલીસે રેડ કરી ઝડપી પાડી તો સુરતના વધુ એક વિસ્તારમાંથી મહિલાઓ સાથે પુરુષો દારુની પાર્ટી માણતા ઝડપાઈ જવા પામ્યા છે. સુરતના સગરામપુરા વિસ્તારમાંથી 6 મહિલા અને 8 પુરુષોને પોલીસે દારુની પાર્ટી માણતા ઝડપી પાડ્યા હોવાની માહિતી જાણવા મળી રહી છે.
વિગતો મુજબ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ઉજવવા માટે સુરતમાં ઉત્સાહ જોવા મળે છે પરંતુ આ વખતે થર્ટી ફર્સ્ટને દારુની મહેફીલ સાથે ઉજવવામાં આવી રહી હોવાનું જણાઈ આવી રહ્યું છે. પીપલોદની હોટલમાંથી 21 મહિલાઓ બેવડી બની મહાલી રહી હતી ત્યારે પોલીસે દરોડો તમામને પકડી પાડી હતી. જ્યારે આજે સવારે સગરામપુરા વિસ્તારમાં આવેલી સિલ્વર એપાર્ટમેન્ટમાં ચાલી રહેલી દારુની મિજબાની સાથેની પાર્ટી પર પોલીસે દરોડો પાડતા 6 મહિલા અને 8 પુરુષોને પકડી પાડ્યા છે. પોલીસે મોંધી બ્રાન્ડની દારુની પાંચ બોટલો પણ કબ્જે કરી હતી.
સુરતમાં થર્ટી ફર્સ્ટ પહેલાં મોટા પ્રમાણમાં દારુ ઠલાવાયો હોવાનું આ ઘટનાઓ પરથી સાબિત થઈ રહ્યું છે. બૂટલેગરો બેફામ બન્યા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. સુરતમાં ખુલ્લેઆમ દારુબંધીના ધજાગરા ઉડાડતી ઘટનાઓ બની રહી છે અને બૂટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી ન હોવાનું જણાય છે. દારુની પાર્ટીઓ પર પોલીસ દરોડો પાડી રહી છે પરંતુ દારુ ક્યાંથી આવી રહ્યો છે તે અંગે પોલીસ પાસે કોઈ જવાબ ન હોવાનું દેખાય છે.