મધ્યપ્રદેશ,છત્તીસગઢ અને રાજસ્થાન જેવા મહત્વના ત્રણ હિન્દી ભાષી રાજ્યોમાં ભાજપની કારમી હાર બાદ કેન્દ્રીય મંત્રી નીતન ગડકરીએ કહ્યું કે નેતૃત્વે હાર અને નિષ્ફળતાઓની પણ જવાબદારી લેવી જોઈએ. સાંકેતિક રીતે ગડકરીએ ભાજપના શિર્ષ નેતૃત્વ અંગે આવા પ્રકારની ટીપ્પણી કરી હોવાનું નેશનલ મીડિયા દ્વારા તારણ કાઢવામાં આવી રહ્યા છે.
આખાબોલાપણા માટે ચર્ચિત ભાજપના નેતા ગડકરીએ કહ્યું કે સફળતાની જેમ નિષ્ફળતાની પણ જવાબદારી લેવામાં આવવી જોઈએ. સફળતાનાં અનેક દાવેદાર હોય છે પરંતુ નિષ્ફળતામાં કોઈ સાથ આપતો નથી. સફળતાનો જશ ખાટવામાં લોકોમાં સ્પર્ધા જોવા મળે છે પણ જ્યારે નિષ્ફળતા મળે છે તો તેનો કોઈ પણ સ્વીકરા કરતો નથી. બધા જ અન્યો તરફ આંગળી ચિંધતા જોવા મળે છે.
પૂણેમાં શહેરી સહકારી બેન્ક એસોસિએશન લિમિટેડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં નીતન ગડકરીએ હાજરી આપતી વખતે પોતાના ભાષણમાં કહ્યું કે નેતૃત્વમાં અપજશની જવાબદારી લેવાની ક્ષમતા હોવી જોઈએ, કારણ કે આનાથી સંસ્થા સાથે તેમનાં સંબંધો વધુ મજબૂત બને છે.
આ દરમિયાન કેન્દ્રીયમંત્રીએ સહકારી બેન્કોની ખરાબ સ્થિતિ પર કહ્યું કે કેન્દ્રીય બેન્કોએ સહકારી બેન્કોની મદદ કરવી જોઈએ. ગડકરીએ સહકારી બેન્કોની કાર્યશૈલી પર પ્રશ્ન ઉઠાવી કહ્યું કે એક એન્જિન હોય છે તો ગાડી સારી રીતે ચાલે છે પણ જ્યારે એક કરતાં વધારે એન્જિન હોય તો ગાડી ચલાવવાનું મુશ્કેલ બની જાય છે.