ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા હનુમાન દલિત હોવાના મુદ્દે થયેલા વિવાદમાં આજે સુરતનાં સમસ્ત દલિત વંચિત સમાજ દ્વારા રેલી કાઢી સુરતના કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દલિત સમાજે સુરતના પ્રખ્યાત અને ઐતિહાસિક હનુમાન દાદાના મંદિરનો વહીવટ દલિતોને સોંપી દેવાની માંગ કરી છે અને સાત દિવસની મહેતલ આપી છે.
દલિત સમાજના નેતા સુરેશ સોનવણે દ્વારા આજે અઠવાગેટથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. રેલી આકારે દલિત સમાજ કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો હતો અને યુપના સીએમ યોગી આદિત્યનાથના નિવેદનને ટેકો આપી જણાવ્યું કે હનુમાનજી જો દલિત છે તો સુરતનું ક્ષેત્રપાળ દાદાનું મંદિર હવેથી દલિતોનું છે.
દલિત નેતા સુરેશ સોનવણેએ ચીમકી આપી હતી કે જો સાત દિવસની અંદર ક્ષેત્રપાળ દાદાના મંદિરનો કબ્જો દલિતોને સોંપવામાં નહીં આવે તો દલિત સમાજ મંદિરનો સ્વંભૂ કબ્જો કરશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. આ ઉપરાંત દેશના તમામ હનુમાન મંદિરો દલિત સમાજને સોંપી દેવાની માંગ પણ કરવામાં આવી હતી.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી દરમિયાન રામ ભક્ત હનુમાનની જાતિ અંગે નિવેદન કરવામાં આવ્યું હતું કે હનુમાન દલિત હતા. આ નિવેદન અંગે દેશભરમાં ભારે વિવાદ થયો હતો અને કાશી મઠના શંકરાચાર્યે પણ તેમાં ઝંપાવ્યું હતું અને કહ્યું હતું કે હનુમાન દલિત નહીં પણ બ્રાહ્મણ હતા. સુરતના દલિત સમાજે હનુમાન મંદિરો અંગે વિશાળ રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું હતું.