નવસારીમાં આજે મોડી સાંજે બસ ડેપોમા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના જાન ગયા છે જ્યારે છથી સાત લોકોને ઈજા પહોંચી હોવાની જાણકારી મળી રહી છે.
ઘટના વિગતો મુજબ મોડી સાંજે એસટી બસના કારણે ગોઝારા અક્સમાતનાં લીધે બસ ડેપોમાં પરિવારજનોનું આક્રંદ અને હૈયાફાટ રૂદન કંપારી છોડાવનારા હતા. સાંજના સમયે મુસાફરો બસની રાહ જોતા સમયે બેઠા હતા તે સમયે અચાનક મોત બનીને આવેલી GJ18-Y,6575 નંબરની એસટી બસ અચાનક ધડાકાભેર પ્લેટફોર્મમાં ઘૂસી ગઈ હતી. ભારે અંધાધૂંધી સર્જાઈ જવા પામી હતી.જાન બચાવવા માટે મુસાફરો ઉભી પૂંછડીએ ભાગ્યા હતા. પરંતુ બસની અડફેટમાં ત્રણ વ્યક્તિઓ મોતને ભેટ્યા હતા.
વધુ વિગત મુજબ બસની બ્રેક ફેલ થવાના કારણે અકસ્માત સર્જોયો હોવાનું કહેવાય છે. બસની નીચે આવીને ત્રણ લોકો ચગદાઈ જવા પામ્યા હતા. ડ્રાઈવર અને કંડકટર બસને છોડી ભાગી ગયા હતા. નવસારીથી અમલસાડ જઈ રહેલી બસના કારણે અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતાં નવસારી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ડ્રાઈવર વિરુદ્વ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.