સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એન્વાયર્નમેન્ટ પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટી (ઈપીસીએ) દ્વારા સોમવારે પ્રદૂષણનું વધુ પ્રમાણ ધરાવતા સ્થળોએ ઓદ્યોગિક પ્રવૃતિઓ પર અને સમગ્ર દિલ્હી-એનસીઆરમાં બાંધકામ પ્રવૃતિઓ પર ત્રણ દિવસ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશ દેશની રાજધાનીમાં વ્યાપેલા ‘ગંભીર’ વાયુ પ્રદૂષણના કારણે આપવામાં આવ્યો છે.
દિલ્હીમાં દિવાળી પછી ફરી સૌથી વધુ પ્રદૂષણનો માહોલ છવાયો છે. શહેરની હવાની ગુણવત્તા સતત ત્રીજા દિવસે સોમવારે પણ ‘ગંભીર’ની શ્રેણીમાં રહી છે. હવામાન સંબંધિત કારણોથી આ સ્થિતિ સર્જાઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
દિલ્હીમાં ખાસ કરીને વઝીરપુર, મુંડકા, નારેલા, બવાના, સાહિબાબાદ અને ફરિદાબાદ જેવા વિસ્તારોમાં બુધવાર સુધી ઈન્ડસ્ટ્રીઝ બંધ રાખવામાં આવશે. ઈપીસીએના ચેરપર્સન ભૂરે લાલે એક પત્રમાં દિલ્હી ચીફ સેક્રેટરી વિજય કુમાર દેવને આ જાણકારી આપી હતી.
ઈપીસીએ દ્વારા દિલ્હી, ફરિદાબાદ, ગુરૂગ્રામ, ગાઝિયાબાદ અને નોઈડામાં બુધવાર સુધી તમામ બાંધકામ પ્રવૃતિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટીએ કહ્યું હતું કે આ પ્રતિબંધ સોમવારથી લાગુ થયો છે. આ સંદર્ભે વિવિધ ઈન્ડસ્ટ્રીઝ અને બાંધકામ ઓથોરિટીઝને પત્રો દ્વારા જાણ કરાઈ છે કે તેઓ હાલ તેમની પ્રવૃતિ બંધ રાખે.
આ ઉપરાંત ઈપીસીએ દ્વારા ટ્રાફિક પોલીસને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે સ્પેશિયલ ટીમો તૈનાત કરવામાં આવે અને કોઈ જામની સ્થિતિ ન સર્જાય એ રીતે પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવે. સંબંધિત પોલીસ ડિપાર્ટમેન્ટને પણ નિર્દેશ અપાયો છે કે તે એ સુનિશ્ચિત કરે કે હેવી ડ્યુટી વાહનો પૂર્વ અને પશ્ચિમી પેરિફેરલ એક્સપ્રેસવે પરથી પસાર થાય.’
જ્યારે અન્ય સંબંધિત એજન્સીઓને પણ ઈપીસીએ દ્વારા નિર્દેશ અપાયો છે કે તેઓ ગેરકાયદે ઈન્ડસ્ટ્રીઝ પર આકરા પગલા લે અને પ્રદૂષણને અંકુશમાં લાવવા માટે તમામ શક્ય પગલાં લે. દિલ્હીમાં હવાની ગુણવત્તા શનિવારથી ‘ગંભીર’ સ્થિતિમાં છે. રાજધાનીમાં રવિવારે પણ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૪૫૦ જેટલો રહ્યો હતો.