વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હિઝ હોલીનેશ ડો. સૈયદના અબુલ કાઈદ જોહર મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.)ના 108મી મિલાદ મુબારક (જન્મજયંતિ) તથા 53મા દાઈ હીઝહોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)ના 75મા જન્મદિવસની રાત્રે 27 મીના ગુરૂવારના રોજ સુરત ખાતે ભવ્ય શાનદાર પ્રોસેશન (મોકીબ) નીકળશે.
આ પ્રોસેશનમાં અલગ અલગ ગામોથી દાઉદી વ્હોરા સમાજના 25 જેટલા બેન્ડ સુરત પહોંચી રહ્યા છે. ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે અને ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.) મુબારક બાદી પેશ કરશે. વિશ્વભરમાંથી દાઉદી વ્હોરા સમાજના હજારોની સંખ્યામાં લોકો સુરત જઈ અને આ ભવ્ય પ્રોસેશનમાં સામેલ થશે. હીઝ હોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) સુરત આવી પહોંચ્યા છે.
પ્રોસેશનમાં સેંકડોની સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના લોકો ઉમટી પડશે. સુરતમાં વિવિધ સંપ્રદાયના ધાર્મિક વડાઓ અને ખાનકાહોના સજ્જાદાનશીનોને પણ મિલાદમાં હાજર રહેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યા છે. સુરતમાં મિલાદની ભવ્ય ઉજવણી કરવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.