ગાંધીનગર ખાતે વકફ બોર્ડ દ્વારા સિટિઝન ચાર્ટરનું લોકાર્પણ અને સુરત તેમજ રાજકોટ ખાતેની બે નવી વકફ બોર્ડની કચેરીઓનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મુસ્લિમ સમાજને કૉંગ્રેસના સ્થાપિત વોટબેંક હોવાના પરોક્ષ રીતે પ્રહારો કર્યા હતા. આ કારણે મુસ્લિમ સમુદાયના આગેવાનો પણ ખિન્ન થઇ ગયા હતા.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર જ્ઞાતિ, જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને કામ કરી રહી છે. સમજુ અને વિચારશીલ મુસ્લિમ સમુદાય મત આપવામાં થાપ ખાઇ જાય છે. પરંતું, અમારી સરકાર તમામ સમાજના હિત માટે કોઇપણ પ્રકારના ભેદભાવ વગર કામ કરે છે. મત મળ્યા ન મળ્યાની પરવા કર્યા વગર કામ કરવામાં આવે છે. સરકારી ભરતીમાં પણ ભેદભાવ વગર ભરતી કરવામાં આવે છે.
આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કૉંગ્રેસને પણ આડેહાથ લીધી હતી. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, કૉંગ્રેસે તૃષ્ટિકરણની નીતિ રાખીને હિન્દુ અને મુસ્લિમ સમુદાયને અલગ રાખવાનું કામ કર્યું છે. કૉંગ્રેસની સરકારો દરમિયાન થતાં તોફાનો અને આતંકી પ્રવૃતિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. દેશમાંથી મતની રાજનીતિ બંધ કરવા અને વિકાસની રાજનીતિ તરફ વધવા પણ મુખ્યપ્રધાને જણાવ્યું હતું. મુખ્યપ્રધાને મુસ્લિમોને પછાત રાખવા પાછળ કૉંગ્રેસ જવાબદાર હોવાનો દાવો કર્યો હતો.
વિજય રૂપાણીએ ભાજપના સરકારમાં સચ્ચર કમિટિનો સંપુર્ણ અમલ કરાયો હોવાનો દાવો કર્યો હતો. તો, ભુતકાળમાં ખાલી રહેતો હજ ક્વોટા પણ હવે ફુલ થઇ જતો હોવાનો દાવો કર્યો હતો.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સુરતના એકતા ટ્રસ્ટને એમ્બ્યુલન્સ પણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમાં મુસ્લિમ સમુદાયમાંથી ચૂંટાયેલા ત્રણ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, જાવેદ પીરજાદા અને ઇમરાન ખેડાવાલાની ગેરહાજરી હતી. જોકે, આમંત્રણ પત્રિકામાં ત્રણે ધારાસભ્યોના નામનો ઉલ્લેખ હોવા છતાં તેમની ગેરહાજરી જોવા મળી હતી. એક મુસ્લિમ આગેવાને જણાવ્યું હતુ કે, મુસ્લિમ લોકોને ભેગા કરવા માટે આ નામો આમંત્રણપત્રિકામાં મુકવામાં આવ્યા હતા.