ખેડા તાબે આવેલી ઓનલાઈન બિઝનેશ કરતી એક કંપનીનું આપખુદ વલણ ૩૦૦થી વધારે યુવાનો માટે ઘાતક સાબિત થયુ છે. કંપની દ્વારા અગાઉ ૧૨૦ જ્યારે આજે ૬૬ યુવાનોને તાત્કાલિક અસરથી નોકરીમાંથી હાંકી કાઢતા વિરોધના વંટોળ ફરી વળ્યા છે. કંપનીના નિર્ણય સામે યુવાનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે, અને તાત્કાલિક ધોરણે યુવાનોને નોકરી પર પરત લેવાની માંગણી કરી છે.
આ સમગ્ર ઘટના બપોર બાદ પ્રકાશિત થઈ હતી. કંપની દ્વારા ૬૬ નવયુવાન કર્મચારીઓને કેન્ટીનમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને જણાવ્યું હતુ કે આવતીકાલ એટલે કે ૨૭ ડિસેમ્બરથી તેમને નોકરીમાંથી છુટા કરવામાં આવે છે. કંપનીએ યુવાનોને જણાવ્યુ હતુ કે તમામ કર્મચારીઓને ફક્ત ૨૫ ડિસેમ્બરના સમય સુધી જ લેવામાં આવ્યા હતા. આ સમયે કંપનીમાં યુવાનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ અગાઉ પણ નિયમોને નેવે મુકનાર ફ્લિપકાર્ટ કંપનીના હોદ્દેદારોએ ૧૨૦ યુવાનોને તાત્કાલિક અસરથી નોકરીમાંથી કાઢી મૂક્યા હતા, દિવાળીની સિઝન પુરી થતાં જ ૧૨૦ યુવાનોને ડિસેમ્બરની શરૂઆતમાંજ નોકરીમાંથી કાઢી મુકાતા કુલ ૧૮૬ યુવાનોને બેરોજગાર થઈ ગયા છે. જેથી યુવાનોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે.
કંપનીના એક જ નિર્ણયના કારણે ઘણા યુવાનોને પોતાની નોકરી ઘુમાવવાનો વખત આવ્યો છે. કંપનીના આ નિર્ણય સામે યુવાનો પણ આરપારના મૂળમાં છે. ખેડા તાલુકાના વડાલા પાટીયા પાસે આવેલી ફ્લિપકાર્ટ કંપનીના ગોડાઉનમાં વિવિધ વસ્તુઓનું ઓનલાઈન બુકીંગ તથા વિતરણ કરવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં ૩૦૦થી વધારે કર્મચારીઓ જોડાયેલા છે. કંપનીના મધરહલ વિભાગમાં કામ કરતાં યુવાનો દ્વારા ગુજરાતમાં ગમે તે સ્થળે ઓર્ડર મુજબની વસ્તુઓનું વિતરણ કરવાનું કામ આપવામાં આવ્યું હતુ.
આ ઉપરાંત કંપની દ્વારા યુવાનો પાસે ઓવરટાઈમ કામ કરાવવા અને રજા ન આપવાના પણ આક્ષેપ થઈ રહ્યાં છે. આ સમગ્ર મુદ્દે શ્રમ અને રોજગાર વિભાગ દખલ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ પ્રબળ બની છે. આ ઘટના પ્રકાશમાં આવતા જ યુવાનોએ હોબાળો મચાવ્યો હતો. આ દરમ્યાન કેટલાક યુવાનોએ લવાલ સરપંચ મહિપતસિંહ ચૌહાણને ઘટનાની જાણ કરી હતી, અને સહયોગ આપવાની માંગ કરી હતી. લવાલ સરપંચે તાત્કાલિક ધોરણે યુવાનોની વાત સાંભળી તેમને ન્યાય મળે તે માટે સહયોગ આપવાની ખાતરી આપી હતી.
જે અંતર્ગત આજે તમામ યુવાનો લવાલ સરપંચની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચનાર છે. જ્યાં કલેક્ટરને આવેદપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે યુવાનોના હિતમાં નિર્ણય લેવા માટે માંગ કરનાર છે. યુવાનોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમની માટે લડત ચાલુ રાખવાની ખાતરી સરપંચ દ્વારા આપવામાં આવી છે.