(સૈયદ શકીલ દ્વારા) : હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કીંગ ખાન શાહરુખ ખાન માટે કપરો કાળ ચાલી રહ્યો છે. સતત 6 ફિલ્મોની નિષ્ફળતાનો ગ્રાફ શાહરુખ ખાનનાં લલાટે લખાઈ ગયો છે. શાહરુખ ખાન પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવામાં ફ્લોપ સાબિત થઈ રહ્યો છે અને આ ફિલ્મ ઉદ્યોગ માટે હવે નવા કીંગની શોધ કરવાના વારો આવી રહ્યો છે. હાલમાં રિલીઝ થયેલી મહત્વકાંક્ષી ફિલ્મ ‘ઝીરો’ની બોક્સ ઓફીસ હાલત અત્યંત દયનીય છે.
શાહરુખ ખાનના ગ્રાફને જોઈએ તો 2014 એટલે કે પાછલા ત્રણ વર્ષમાં તેણે સફળતાનો ભરપૂર સ્વાદ ચાખ્યો નથી. રેડ ચિલ્લીઝ જેવાં હોમ પ્રોડક્શન હેઠળ બની રહેલી શાહરુખની ફિલ્મો ટપોટપ ફ્લોપ થવાના કારણે પ્રોડ્યુસર માટે તેને સાઈન કરવાનું હવે અધરું થઈ પડશે અને શાહરુખની કરિયર ઓવર થવા તરફ જઈ રહી હોવાનું લાગી રહ્યું છે.
શાહરૂખ ખાને ફિલ્મ ‘દિવાના’થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આમ તો તેણે ‘સર્કસ’ અને ‘ફૌજી’ જેવી ટેલિવિઝનની સિરીયલો કરી હતી પરંતુ ‘દિવાના’ અને ત્યાર બાદ ‘બાઝીગર’, ‘રાજુ બન ગયા જેન્ટલમેન’, ‘ડર’ની સફળતાએ શાહરુખને ફિલ્મી દુનિયાનો સુપર સ્ટાર બનાવી દીધો. શાહરુખે સફળતના ઉચ્ચ શિખરો સર કર્યા અને અનેક સુપર ડૂપર હિટ ફિલ્મો આપી તો સાથો સાથ કોલાકાત નાઈટ રાઈડર્સની ટીમનો સ્પોન્સર પણ બન્યો. શાહરુખની ટીમ કેકેઆર ટી-20 ક્રિકેટમાં પણ કાઠું કાઢી શકી નથી. શાહરુખ માટે મોટી પીછેહઠ ગણવાની રહે છે.
એક વર્ષમાં શાહરુખ ખાન એક જ ફિલ્મ કરે છે. અને તે પ્રમાણે શાહરુખની ફિલ્મો પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ જૂગાર રમતા વિચાર કરશે એવું લાગી રહ્યું છે. શાહરુખની ફિલ્મોનો ગ્રાફ જોઈએ તો 6 ફિલ્મો વિશેષ કાઠું કાઢવામાં નિષ્ફળ રહી છે.
24 ઓક્ટોબર 2014માં રિલીઝ થયેલી શાહરુખની મલ્ટીસ્ટારર અને ડ્રામા ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’ની ડાયરેક્ટર ફારાહ ખાન હતી. ફારાહ ખાન પણ શાહરુખને ઉંચકી શકી નહીં અને ‘હેપ્પી ન્યૂ યર’નો ટોટલ વકરો 394 કરોડ સુધી પહોંચ્યો હોવાનું બોક્સ ઓફીસ નિષ્ણાતો કહી રહ્યા છે. જોકે, ફિલ્મ પાછળ 150 કરોડ ખર્ચાયા હતા એટલે સફળતા અને નિષ્ફળતાની વાતમાં એટલું કહી શકીએ કે ‘હેપ્પી ન્યૂ યર’ દર્શકોની કસોટી પર ખરી ઉતરી ન હતી અને 500 કરોડની કલબમાં પહોંચી નહીં.
18 ડિસેમ્બર 2015માં રિલીઝ થયેલી અને હિટ ડાયરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘દિલવાલે’એ ખાસ્સો એવો ભાંગરો વાટ્યો. ફિલ્મ રોમેન્ટીક હતી કે એક્શન હતી તે સમજવું મુશ્કેલ બની ગયું. ફિલ્મ બોક્સ ઓફીસ પર પટકાઈ અને રોહિત શેટ્ટી-શાહરુખ વચ્ચે બબાલની ગરમા-ગરમ ચર્ચા પણ જાહેરમાં થવા લાગી. ફિલ્મની હીરોઈન કાજોલે પણ ક્યાંક કહ્યું કે ‘દિલવાલે’ સાઈન કરીને મોટી ભૂલ કરી. 110 કરોડના ખર્ચે બનેલી ‘દિલવાલે’ 408 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જોકે, ફિલ્મ ચાલવા જેટલી ચાલી નહીં પણ ફિલ્મના રૂપિયા વસુલ કરી ગઈ.
યશરાજ બેનર હેઠળ બનેલી અને આદિત્ય ચોપરા જેના નિર્માતા હતા તે મહત્વકાંક્ષી ફિલ્મ ‘ફેન’ પણ 200 કરોડની કલબમાં પહોંચી શકી ન હતી. નવા વિષયને સાથે લઈને આવેલી આ ફિલ્મ બોક્સ ઓફીસ પર પટકાઈ ગઈ હતી. જોકે, આદિત્ય ચોપરાની કિંમત વસુલ થઈ હતી. 85 કરોડના બજેટમાં બનેલી ‘ફેન’ ફિલ્મે 183 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ 15, એપ્રિલ, 2016માં રિલીઝ થઈ હતી. મેગા ઓપનીંગ સાથે ફેન રિલીઝ થઈ પણ હાલત ખરાબ થઈ ગઈ.
ગુજરાતના ડોન લતીફના જીવન પર બનેલી અને ગુજરાતી ડાયરેક્ટર રાહુલ ઢોલકીયાની ફિલ્મ ‘રઈસ’નું નિર્માણ બજેટ 127 કરોડનું હતું અને ફિલ્મે ભારતમાં ખરાબ પ્રદર્શન કર્યું પરંતુ વિશ્વભરનાં આંકડામાં ‘રઈસે’ 310 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ‘રઈસ’ 25, જાન્યુઆરી-2017માં રિલીઝ થઈ હતી.
4, ઓગષ્ટ-2017માં શાહરુખની બીજી ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ રિલીઝ થઈ. અનુષ્કા શર્મા સાથેની જોડીને દર્શકોનો જોઈએ તેટલો પ્રેમ મળી શક્યો નહીં. શાહરુખ અને અનુષ્કાની આ ફિલ્મ 150 કરોડ રૂપિયાની જ કમાણી કરી શકી.
અને હવે 21મી ડિસેમ્બર-2018માં રિલીઝ થયેલી શાહરુખ ખાનની વધુ એક ચર્ચિત ફિલ્મ ‘ઝીરો’ પણ ઝીરો પર્ફોમન્સ પર આગળ વધી રહી છે આજે સાતમા દિવસે શાહરુખ ખાનની ‘ઝીરો’ બોક્સ ઓફીસ પર ડચકા ખાઈ રહી છે. બુધવાર સુધીમાં ‘ઝીરો’નું કલેક્શન 85 કરોડ પર પહોંચ્યું છે જે શાહરુખની ફિલ્મી હેલ્થ માટે સારું ગણી શકાય નહી.
શાહરુખ ખાન માટે આવનાર સમય વધુ કપરો સાબિત થઈ શકે તેમ છે. વધતી ઉંમર અને સ્ટોરીની કારમી ખેંચતાણમાં શાહરુખ ખાન પણ અમિતાભે જે ભૂલો કરી હતી તેવી ભૂલો કરી રહ્યો છે. 50 વટાવી ગયેલા શાહરુખે ઉંમર પ્રમાણેના રોલ કરવા સિવાય હવે છૂટકો નથી.