શહેરના માર્કેટયાર્ડ સામે શક્તિ સોસાયટી-૧માં રહેતા અને પેડક રોડ પર હસમુખ ટ્રેડીંગના નામે ઘઉંની પેઢી ધરાવતા હસમુખભાઈ ઘેલાભાઈ સુરાણી નામના ૪૦ વર્ષના પટેલ વેપારીએ ગઈ તા. ૨૧મીએ કાલાવડ રોડ પરના પ્રેમ મંદિર સામેના બગીચામાં ઝેરી દવા પી લેતા તેનું ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. તેણે બિલ્ડર, ફાયનાન્સ, વકીલ સહિતના ૧૧ આરોપીઓના ત્રાસથી કંટાળી આ પગલુ ભરી લીધાની ફરિયાદ આજે તેના પત્ની દક્ષાબેને (ઉ.વ. ૩૬) બી ડિવીઝન પોલીસમાં નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ નિલેશ લુણાગરીયા તેના પત્ની હિનાબેન, જીજ્ઞેશ મનહરલાલ પટેલ, સન્ની જાનમહમદ પ્રમાણી, ફૂલરટોન ફાયનાન્સના ઈંદુભાઈ ચૌહાણ, જય કિશન માણેક, અરવિંદ પટેલ, પટેલ મેતાજી જે. રાધે, રણછોડનગરનાં અતુલ પટેલ, શૈલેષ રામજીભાઈ ભંડેરી અને એડવોકેટ કેતન મંડ વિરુદ્ધ આપઘાત માટે દૂષ્પ્રેરણા આપવી, વિશ્વાસઘાત, છેતરપીંડી કરવી, ગુનાઈત કાવતરૂ, ગાળો અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ જારી રાખી છે.