(સૈયદ શકીલ દ્વારા): મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહેસુલ વિભાગના કર્મચારીઓને ભ્રષ્ટ કહ્યાનો વિવાદ વધુ વકર્યો છે. મહેસુલ વિભાગના કર્મચારીઓએ મુખ્યમંત્રી પોતાના શબ્દો પાછા ખેંચે નહી તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે ભાજપનાં આંતરિક ડખાનું આ પરિણામ હોવાનું ભાજપમાં જ ચર્ચાઈ રહ્યું છે. ભાજપના કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે મહેસુલ મંત્રી તરીકે કૌશિક પટેલ કાર્યરત છે અને તેમના વિભાગના કર્મચારીઓને ભ્રષ્ટ કહીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીને જ આડકતરી રીતે આડે હાથે લીધા હોવાનું કહેવાઈ રહ્યું છે.
આજે મહેસુલ કર્મચારીઓએ મુખ્યમંત્રીના નિવેદન અંગે મોટાપ્રમાણમાં નારાજગી દર્શાવી હતી અને કહ્યું હતું આ આક્ષેપથી મહેસુલ કર્મચારીઓનું મોરલ તૂટી ગયું છે. રાજ્યભરના મહેસુલ કર્મચારીઓએ મુખ્યમંત્રીના નિવેદન અંગે રિએક્શન આપ્યા અને ગાંધીનગરના કલેક્ટર એસ.કે.લાંગાને આવેદનપત્ર પણ આપ્યું. કર્મચારીઓએ મુખ્યમંત્રી માફી માંગે તેવી માંગ પણ કરી છે.
હવે મામલો સરકારમાં બેઠેલા ભાજપના મંત્રી કૌશિક પટેલ તરફ ડોકાય છે. કૌશિક પટેલ મહેસુલ વિભાગના મંત્રી છે અને અન્ય કોઈ વિભાગના કર્મચારીઓને ટારગેટ કરવાના બદલે તેમના વિભાગના કર્મચારીઓને ટારગેટ કરવામાં આવ્યા એ ઘણું બધું કહી જાય છે. કેટલાક પ્રશ્ન કરી રહ્યા છે કે સીએમએ આડકતરી રીતે વિભાગના મંત્રી પર જ હુમલો કર્યો છે. આમેય કૌશિક પટેલને આનંદીબેન પટેલના વિશ્વાસુ હોવાનું માનવામાં આવે છે અને આનંદીબેન અને અમિત શાહ વચ્ચે કેટલાક મુદ્દે ખટરાગ હતો અને આ ખટરાગના કારણે જ આનંદીબેનને મુખ્યમંત્રીની ગાદી છોડવાની ફરજ પડી હતી. કૌશિક પટેલની દરિયાપુર વિધાનસભામાંથી આનંદીબેન પટેલે જ પસંદગી કરી હોવાની ચર્ચા તે વખતે પણ ખાસ્સી ચાલી હતી. આજે મહેસુલ કર્મચારીઓએ આવેદનપત્ર સોંપ્યું તે ગુજરાતમાં આ પહેલાં ક્યારેય બન્યું નથી તો મહેસુલ કર્મચારીઓને આવેદન આપવા સુધીની તાકાત અને પીઠબળ કોનું હતું તે પણ આસાનીથી સમજી શકાય તેમ છે.
સરકારના મંત્રીઓ વચ્ચે બનતું નથી એ વાત જગજાહેર છે. નીતિન પટેલ સાથે આજે પણ ઔપચારિક વાતચીત છે. સીએમ મોટાભાગે મહત્વના કાર્યો મુખ્યમંત્રી નિવાસેથી જ કરી રહ્યા છે અને સીએમ ઓફીસમાં બને ત્યાં સુધી જવાનુ ટાળતા હોવાની છાપ ઉપસી રહી છે. સીએમની પાસે ગૃહ વિભાગ છે અને ગૃહ વિભાગમાં શું-શું નથી ચાલતું એ ગામ આખું જાણે છે ત્યારે મહેસુલ કર્મચારીઓને ભ્રષ્ટ કહેવાના અનેક મતલબ ખુદ ભાજપના નેતાઓ કાઢી રહ્યા છે.