લોકસભામાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બિલ 2018 રજૂ કર્યું હતું. સંસદમાં વોટિંગ બાદ બિલના પક્ષમાં 245 અને વિરોધમાં 11 વોટ પડ્યા હતા. વિપક્ષની ઉગ્ર ધાંધલ વચ્ચે સરકાર અને વિપક્ષના સાંસદોએ ખરડાની જોગવાઇઓની તરફેણ અને વિરોધમાં ઉગ્ર ચર્ચા કરી હતી. ચર્ચાના અંતે સરકારે વિપક્ષની ખરડાને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માગ ફગાવી દેતાં કોંગ્રેસ, એઆઇએડીએમકે, ડીએમક, સપા સહિતના મોટાભાગના વિપક્ષના સાંસદોએ મતદાન પહેલાં ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.
રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ મનાતા મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરેજ) ખરડા,2018 પર ગુરુવારે વિપક્ષના ઉગ્ર હોબાળા વચ્ચે લોકસભામાં ચર્ચા હાથ ધરાઇ હતી. આ અગાઉ મુસ્લિમોમાં ટ્રિપલ તલાકની પ્રથાને ગેરકાયદેસર ઠરાવતા અને તેના માટે આકરી સજાની જોગવાઇ કરતા આ સુધારેલા ખરડા પરની ચર્ચા શરૃ કરતાંં કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યુ હતું કે, ટ્રિપલ તલાક ખરડો કોઇ સમુદાય, આસ્થા અથવા ધર્મ વિરોધી નથી.
આ ખરડો મહિલાઓને ન્યાય અને તેમના અધિકારો માટે છે. વિશ્વના ૨૦ ઇસ્લામિક દેશોમાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ છે ત્યારે ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં શા માટે ટ્રિપલ તલાક પર પ્રતિબંધ લાદી ન શકાય? ટ્રિપલ તલાક ખરડાને રાજકીય ચશ્માથી જોવો જોઇએ નહીં.
વિપક્ષના વાંધા નકારી કાઢતાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, આ ખરડો મુસ્લિમ મહિલાઓના અધિકારની સુરક્ષા માટે છે. અમે વટહુકમ લાવ્યા હતા કારણ કે ભારતમાં હજુ પણ આ પ્રથા ચાલી રહી છે. અમે કોઇની હેરાનગતિ કરવા માગતા નથી.
સુધારેલા ખરડામાં અપરાધને સમાધાનકારી બનાવવામાં આવ્યો છે. જો ટ્રિપલ તલાક આપનાર પુરુષ તેની પત્ની સાથે સમાધાન કરે તો કેસ પાછો ખેંચી શકાય છે. તે ઉપરાંત કાયદાનો દુરુપયોગ ન થાય તે માટે પત્ની અથવા તેના અત્યંત નિકટના સગાં જ એફઆઇઆર નોંધાવી શકે છે.
જોકે, વિપક્ષે સુધારેલા ખરડામાં રહેલી જોગવાઇઓ સામે ઉગ્ર વાંધો નોંધાવ્યો હતો. કોંગ્રેસ, એઆઇએમઆઇએમ, તૃણમૂલ કોંગ્રેસ અને એનસીપીએ આરોપ મૂક્યો હતો કે, ખરડાની જોગવાઇઓ ગેરબંધારણીય છે. મુસદ્દા ખરડાની વ્યાપક ચકાસણી જરૃરી હોવાથી સિલેક્ટ કમિટી પાસે મોકલી આપવામાં આવે.