શિક્ષક સાચો માર્ગ બતાવતો હોય છે પણ જ્યારે તે પોતાની શક્તિઓનો દુરોપયોગ કરે છે ત્યારે વિનાશ નોતરી શકે છે. આવો જ એક કિસ્સો આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં બન્યો હતો. જેમાં ભૂલકાઓ પર એક શિક્ષકની નિર્દયતાનો ખુલાસો થયો હતો. શાળામાં મોડા પહોંચવા પર સજાની હદો પાર કરતા શિક્ષકે બાળકોને નગ્ન કરીને બહાર ઉભા રાખ્યા હતા.
સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં વિચારી પણ ન શકાય તેવી સજા શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓને ભોગવવી પડી હતી. જિલ્લાની ચેતન્ય ભારતી સ્કુલના શિક્ષકે સ્કુલમાં મોડા પહોંચતા બાળકોને સજા કરતા તેમને નિર્વસ્ત્ર થવાની ફરજ પાડી હતી, આટલું જ નહી પરંતુ તેમને શરમજનક સ્થિતિમાં બહાર ઉભા રહેવા પર મજબૂર પણ કર્યા હતા.
વીડિયો વાયરલ થતા શાળા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે. બાળકોના માનસપટ આ કૃત્યથી પડેલ નકારાત્મક અસરને કારણે સ્થાનિક સમાજ કાર્યકર્તાઓ બાળકોના કાઉન્સિલિંગની માગ કરી રહ્યા છે.
બીજી તરફ ચિત્તૂર જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે તપાસનો આદેશ આપ્યો હતો. તેમણે આશ્વાસન આપ્યું હતું કે, દોષી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે આ મામલે 2019-20 માટે શાળાની માન્યતા રદ કરવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી.